Last Updated on by Sampurna Samachar
હજ યાત્રીઓને ૧૩ એપ્રિલ ૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરી શકશે
ભારતના નાગરિકો પર આ પ્રતિબંધ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉદી અરેબિયાએ ૧૪ દેશોના નાગરિકોને વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. કિંગડમ ઓફ સાઉદી અરેબિયાએ આ વર્ષની હજ યાત્રા પહેલા આ ર્નિણય લીધો છે. સરકાર જૂન ૨૦૨૫ ના મધ્ય સુધી ઉમરાહ, બિઝનેસ અને ફેમિલી વિઝિટ વિઝા આપશે નહીં.
હજ યાત્રા સાથે સંકળાયેલી ભીડને નિયંત્રિત કરવાના પ્રયાસો અને નોંધણી વગર હજ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિઓને રોકવાના પ્રયાસો વચ્ચે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કરવા પાછળનો વિચાર એ છે કે ગયા વર્ષની હજ યાત્રા દરમિયાન નાસભાગનું પુનરાવર્તન ના થાય, જે અતિશય ગરમી અને રજિસ્ટ્રેશન વગરના યાત્રાળુઓના ધસારાને કારણે થયું હતું.
ગેરકાયદેસર પ્રવેશ પર થશે કાયદેસર કાર્યવાહી
ઉમરાહ વિઝા આપવાની છેલ્લી તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે, એટલે કે હજ યાત્રીઓને ૧૩ એપ્રિલ સુધી નોંધણી કરવાની તક આપવામાં આવી છે. આ પછી આ ૧૪ દેશોના નાગરિકોને હજ યાત્રાના અંત સુધી આ પ્રકારના કોઈ નવા વિઝા આપવામાં આવશે નહીં. આ વિઝા સસ્પેન્શનથી કુલ ૧૪ દેશો પ્રભાવિત છે. જેમાં અલ્જીરિયા, ઇજિપ્ત, બાંગ્લાદેશ, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાક, ભારત, જોર્ડન, મોરોક્કો, નાઇજીરિયા, પાકિસ્તાન, સુદાન, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયામાં કેટલાક ભારતીય નાગરિકો દ્વારા અનધિકૃત રીતે હજ કરવાનો પ્રયાસ કરવા બદલ વિઝાના દુરુપયોગના કિસ્સાઓ સામે આવ્યા છે. તેથી ભીડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સાઉદી અરેબિયાએ પણ ભારતના નાગરિકો પર આ પ્રતિબંધ લગાવ્યો છે, જેથી આ સમસ્યાને ઓછી કરી શકાય. સાઉદીએ ૧૬ ભાષાઓમાં એક ડિજિટલ હજ અને ઉમરાહ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે જેથી યાત્રાળુઓને સલામત અને કાનૂની તીર્થયાત્રાની પ્રક્રિયાઓ વિશે મદદ કરી શકાય.
મીડિયા રિપોર્ટ અનુસાર, વહીવટીતંત્રે કડક ચેતવણી બહાર પાડી છે કે હજ દરમિયાન કોઈપણ ગેરકાયદેસર રીતે રોકાશે તો તેને સાઉદી અરેબિયામાં પ્રવેશવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને ૧૦,૦૦૦ સાઉદી રિયાલના દંડ થશે. તેથી યાત્રિકોને હજ પરમિટનો ઉપયોગ કરીને પ્રવેશવાની સલાહ આપવામાં આવી છે જેથી સિસ્ટમને અવરોધવાનો પ્રયાસ ન થાય.