Last Updated on by Sampurna Samachar
અક્ષય કુમાર , રિતેશ દેશમુખ સહિતના અભિનેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું
એર ઈન્ડિયા ક્રેશથી હું આઘાતમાં છું અને નિ:શબ્દ છું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન એરપોર્ટ પરથી બપોરે ૧:૩૮ વાગ્યે ટેક ઓફ થયું હતું અને ૧:૪૦ વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી.
એર ઈન્ડિયા પ્લેન ક્રેશથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ પ્લેનમાં ૨૩૦ યાત્રીઓ અને ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારું આ પ્લેન ટેક ઓફ બાદ તાત્કાલિક દુર્ઘટનાનો શિકાર બન્યુ હતું.
બોલિવુડ અભિનેતાઓએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
આ દુર્ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. દેશભરમાં આ દુર્ઘટના પર શોકનો માહોલ છે. એવામાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને તાજ લેન્ડ એન્ડ મુંબઈ ખાતેની ઇવેન્ટમાં હાજરી રદ કરી હોવાની માહિતી મળી છે.
કાર્યક્રમના આયોજકોએ આ મામલે જણાવ્યું હતું કે, સલમાન ખાને આ દુર્ઘટના બાદ કહ્યું કે હું આ કાર્યક્રમમાં હાજરી આપીશ નહીં અને આ દુર્ઘટના પછી હું સેલિબ્રેટ કરી શકીશ નહીં. તેમજ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે X પર પોસ્ટ કરીને લખ્યું કે, એર ઈન્ડિયા ક્રેશથી હું આઘાતમાં છું અને નિ:શબ્દ છું. આ સમયે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ છીએ.
અભિનેતા રિતેશ દેશમુખે લખ્યું કે, અમદાવાદમાં પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને મારું હૃદય તૂટી ગયું છે અને હું આઘાતમાં છું. મારું હૃદય તમામ યાત્રીઓ માટે, તેમના પરિવાર અને ક્રેશથી અસરગ્રસ્ત થયેલા તમામ લોકો માટે દુ:ખી છે. આ મુશ્કેલ સમયમાં હું તમામને મારા વિચારો અને પ્રાર્થનામાં રાખું છું. અક્ષય કુમાર, સની દેઓલ, પરિણીતી ચોપરા, રિતેશ દેશમુખ ઉપરાંત, ઘણા અન્ય સ્ટાર્સે આ મોટી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.