Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓ અંગે મોટી ટીપ્પણી કરી
શ્રીલંકન તમિલ છે અને વિઝા પર અહીં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે ભારતમાં શરણાર્થીઓ અંગે સુનાવણી કરી છે. શરણાર્થીઓ અંગે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યુ કે , ભારત કોઇ ધર્મશાળા નથી. દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય આપવો ? અમે ૧૪૦ કરોડ લોકો સંઘર્ષ કરી રહ્યા છીએ. આપણે દરેક જગ્યાએથી આવતા શરણાર્થીઓને આશ્રય આપી શકતા નથી. શ્રીલંકાથી આવેલા તમિલ શરણાર્થીઓની અટકાયતના કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તાએ આ વાત કહી હતી.
શ્રીલંકાના નાગરિકની અટકાયત સામે સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) માં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ બેન્ચ મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અરજદારે UAPA કેસમાં લાદવામાં આવેલી ૭ વર્ષની સજા પૂર્ણ થયા પછી તરત જ ભારત છોડી દેવું જોઈએ.
જીવ જોખમમાં હોય તો બીજા દેશમાં જાઓ : SC
શ્રીલંકાના અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે શ્રીલંકન તમિલ છે અને વિઝા પર અહીં આવ્યો હતો. તેમના પોતાના દેશમાં તેમના જીવ જોખમમાં છે. અરજદાર લગભગ ત્રણ વર્ષથી કોઈપણ દેશનિકાલ પ્રક્રિયા વિના અટકાયતમાં છે. જસ્ટિસ દત્તાએ પૂછ્યું, ‘તમને અહીં સ્થાયી થવાનો શું અધિકાર છે?’ વકીલે પુનરોચ્ચાર કર્યો કે અરજદાર શરણાર્થી છે.
જસ્ટિસ દત્તાએ કહ્યું કે કલમ ૧૯ મુજબ, ભારતમાં સ્થાયી થવાનો મૂળભૂત અધિકાર ફક્ત નાગરિકોને જ છે. જ્યારે વકીલે કહ્યું કે અરજદારના પોતાના દેશમાં જ જીવ જોખમમાં છે, ત્યારે જસ્ટિસ દત્તાએ કહ્યું, ‘બીજા કોઈ દેશમાં જાઓ.’ વર્ષ ૨૦૧૫ માં, અરજદારને LTTE ના કાર્યકર્તાઓ હોવાની શંકાના આધારે બે અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮ માં, અરજદારને કલમ ૧૦ હેઠળના ગુના માટે ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૨ માં, મદ્રાસ હાઈકોર્ટે તેમની સજા ઘટાડીને ૭ વર્ષ કરી. પરંતુ તેમને સજા પછી તરત જ ભારત છોડી દેવા અને ભારત છોડે ત્યાં સુધી શરણાર્થી શિબિરમાં રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો.