Last Updated on by Sampurna Samachar
અનુષ્ઠાનનો હેતુ આધ્યાત્મિક ઉર્જાને મજબૂત કરવાનો
મંદિર પરિસરમાં ૮ જૂનના રોજ થશે આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળના પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરમાં ૨૭૦ વર્ષ પછી એક દુર્લભ મહાકુંભભિષેક થવા જઈ રહ્યો છે. આ દુર્લભ મહાકુંભભિષેક ૮ જૂને થશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આ મંદિરમાં લાંબા સમયથી બાકી રહેલું જીર્ણોદ્વાર કાર્ય હાલમાં જ પૂર્ણ થયું છે. આ કાર્ય પૂર્ણ થયા પછી આવતા અઠવાડિયે ભવ્ય મહાકુંભભિષેક થશે. મંદિરમાં રહેતા પૂજારીઓના મતે આ અનુષ્ઠાનનો હેતુ આધ્યાત્મિક ઉર્જાને મજબૂત કરવાનો અને મંદિરની પવિત્રતાને ફરીથી જાગૃત કરવાનો છે.
તમને જણાવી દઈએ કે, આ ખાસ પ્રકારનું મહા-અનુષ્ઠાન ૨૭૦ વર્ષ પછી થવા જઈ રહ્યું છે. મંદિરના મેનેજર બી. કુમારે આ અંગે જણાવ્યું કે, સદીઓ જૂના મંદિરમાં ૨૭૦ વર્ષથી વધુ સમયના અંતરાલ પછી આ પ્રકારનો વ્યાપક જીર્ણોદ્વાર અને તેની સાથે સબંધિત વિધિઓ કરવામાં આવી રહી છે અને આગામી કેટલાક દાયકાઓમાં તે ફરીથી થવાની શક્યતા નથી.
વિવિધ અનુષ્ઠાન કરવામાં આવશે
તેમણે આગળ જણાવ્યું કે, મંદિર પરિસરમાં ૮ જૂનના રોજ મહાકુંભભિષેક (Mahakumbhabhishekam) અનુષ્ઠાન થશે. આ કાર્યક્રમના ભાગ રૂપે વિવિધ અનુષ્ઠાન કરવામાં આવશે, જેમાં નવનિર્મિત તજિકાકુડમ (ગર્ભગૃહની ઉપર ત્રણ અને ઓટ્ટક્કલ મંડપની ઉપર એક) નો અભિષેક, વિશ્વસેનની મૂર્તિનું પુન:સ્થાપન અને તિરુવંબાડી શ્રીકૃષ્ણ મંદિર (મુખ્ય મંદિર પરિસરમાં સ્થિત)માં અષ્ટબંધ કલસમ સામેલ છે.
મંદિરના મેનેજર બી શ્રીકુમારે જણાવ્યું કે, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિષ્ણાત પેનલના નિર્દેશો પ્રમાણે જીર્ણોદ્વારનું કામ કરવામાં આવ્યું છે. જોકે કામ ઘણા સમય પહેલા શરૂ થયું હતું, પરંતુ કોવિડની સ્થિતિને કારણે તે આગળ ન વધી શક્યું. તેમણે આગળ જણાવ્યું કે, સદીઓ પછી મંદિરમાં વ્યાપક જીર્ણોદ્વાર અને સંબંધિત અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. વિશ્વભરમાં ભગવાન પદ્મનાભના ભક્તો માટે આટલા વર્ષો પછી આ અનુષ્ઠાન જોવું એ એક દુર્લભ તક છે.
તમને જણાવી દઈએ કે, ૮ જૂને મહાકુંભભિષેક પહેલા આવનારા દિવસોમાં મંદિરમાં આચાર્ય વરણમ, પ્રસાદ શુદ્ધિ, ધારા, કલસમ અને અન્ય વિવિધ અનુષ્ઠાન કરવામાં આવશે.