મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરાયા
૯ ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચ પહેલાં પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેના ભાગરૂપે દિલ્હીની તમામ સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. ૧૦૧ ખેડૂતોનું જૂથ બપોરે ૧ વાગ્યાથી દિલ્હી જવા માટે નીકળી ગયું છે. ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીની સીમા અને મધ્ય દિલ્હીમાં તપાસ માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂત માર્ચના કારણે દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને શહેરની સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. સિંધુ બોર્ડર પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવાયા છે. તેમજ, પંજાબ-હરિયાણા સીમા પર શંભુ બોર્ડરની સ્થિતિ અનુસાર આ સુરક્ષા દળોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. જાેકે, ખેડૂતો આગળ વધતાં જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતાં.
શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતાં જ મામલો બીચક્યો હતો. તેમણે બેરિકેડનું એક લેયર હટાવ્યું અને આગળ વધવા લાગ્યા. આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તાત્કાલિક ટીયરગેસનો મારો ચલાવ્યો હતો અને ભીડને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક ખેડૂતની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. ખેડૂતોના દેખાવો પર ટિપ્પણી કરતાં હરિયાણાના મંત્રી અનિલ વિજે સવાલ કર્યો કે શું ખેડૂતોએ મંજૂરી લીધી હતી? તેમને મંજૂરી વિના દિલ્હી કેવી રીતે જવા દઈએ? જાે મંજૂરી મળશે તો જ તેમને દિલ્હી જવા દેવાશે.
અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ નોઇડા સીમા પર નજર રાખી રહી છે, જ્યાં ઉત્તર પ્રદેશના ખેડૂતોનું અન્ય એક સમૂહ ધરણા પર બેઠું છે. અંબાલામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા ૧૬૩ હેઠળ હેઠળ પ્રતિબંધિત આદેશ હોવા છતાં, ૧૦૦થી વધારે ખેડૂતો શુક્રવારે શંભુ સરહદથી દિલ્હી પગપાળા કૂચ શરૂ કરવા માટે તૈયાર છે. જેમાં પાંચથી વધારે વ્યક્તિઓની કોઈપણ ગેરકાયદેસર સભાને પ્રતિબંધિત કરવામાં આવી છે.
અંબાલામાં ૯ ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આી છે. અંબાલામાં DC એ પોતાના આદેશ સુધી પગપાળા, ગાડી અથવા બીજા માધ્યમથી કોઈપણ સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન, ખેડૂત આંદોલનના કારણે સત્તાવાર આદેશ બાદ આજે અંબાલામાં તમામ સરકારી પ્રાઇવેટ સ્કૂલ પણ બંધ કરી દેવામાં આવી છે.