Last Updated on by Sampurna Samachar
રોંહિગ્યાઓને પરત લાવી સન્માન આપો તેમ અરજી દાખલ
આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ પાસે છોડી દેવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં રોહિંગ્યા શરણાર્થીઓનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટમાં એક નવી રિટ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દાવો કર્યો છે કે, પોલીસે ૪૩ રોહિંગ્યા શરણાર્થીઓને ધરપકડમાં લીધા અને ભારત સરકાર તેમને બળજબરી પોર્ટ બ્લેયરના રસ્તે મ્યાનમાર મોકલી દીધા છે. સાથે જ અરજીકર્તાએ પીડિતોને પાછા બોલાવી સન્માન આપવા, ૫૦ લાખનું વળતર અને તેમના રહેવાની પરમિટ આપવાની પણ માંગ કરી છે.
મળતા રિપોર્ટ અનુસાર, અરજીમાં કહેવાયું છે કે, ભારત સરકાર દ્વારા ડિપોર્ટ કરાયેલા શરણાર્થીઓમાં મહિલા, બાળકો અને વૃદ્ધો સામેલ છે. જેમને મ્યાનમાર પાસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ પાસે છોડી દેવામાં આવ્યા છે.
આ મામલાને ૩૧ જુલાઈ માટે સૂચિબદ્ધ કર્યો
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસ કાર્ડ ધરાવતા શરણાર્થીઓના એક જૂથની પોલીસે ૭ મેના રોજ મોડી રાત્રે ધરપકડ કરી હતી અને ૮ મેના રોજ કેસની સુનાવણી ચાલી રહી હોવા છતાં તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે કોઈપણ વચગાળાના નિર્દેશ આપ્યા વિના આ મામલાને ૩૧ જુલાઈ માટે સૂચિબદ્ધ કર્યો હતો.
ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહની સુપ્રીમ કોર્ટની બેન્ચ હાલમાં રોહિંગ્યા શરણાર્થીઓના દેશનિકાલ અને તેમની રહેવાની સ્થિતિ સંબંધિત કેસની સુનાવણી કરી રહી છે.