Last Updated on by Sampurna Samachar
કોર્ટે બે બળાત્કારના આરોપોમાંથી મુક્ત કર્યા
પ્રિન્સેસના પુત્ર પર અન્ય ઘણા ગંભીર ગુના લાગેલા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરરાષ્ટ્રીય રાજદ્વારી જગત અને નૉર્વેના શાહી પરિવારમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નૉર્વેના ક્રાઉન પ્રિન્સેસ મેટ-મેરિટના ૨૯ વર્ષીય પુત્ર મેરિયસ બોર્ગ હૉઇબીને અદાલતે બળાત્કારના બે અલગ-અલગ ગુનાઓમાં દોષિત ઠેરવીને ૪ વર્ષની સખત જેલની સજા ફટકારી છે.

ઓસ્લો ડિસ્ટ્રિક્ટ કોર્ટના રૂમ નંબર ૨૫૦ માં ત્રણ ન્યાયાધીશોની બેઠકે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જોકે, કોર્ટે તેમને અન્ય બે બળાત્કારના આરોપોમાંથી મુક્ત કર્યા છે, પરંતુ તેમના પર લાગેલા અન્ય ઘણા ગંભીર ગુનાઓમાં દોષિત જાહેર કર્યા છે.
રાજપરિવારની વચ્ચે જ ઉછરીને મોટા થયા
ચુકાદા સમયે મેરિયસ બોર્ગ હૉઇબી વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર નહોતા, પરંતુ તેઓ વીડિયો લિંક દ્વારા આ સત્રમાં જોડાયા હતા. સરકારી વકીલોએ હૉઇબીને ૭ વર્ષ અને ૭ મહિનાની જેલની સજા કરવાની માંગ કરી હતી, જ્યારે તેમના બચાવ પક્ષના વકીલોએ ૧૮ મહિનાની ઓછી સજાની અપીલ કરી હતી. તેઓ આ ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.
મેરિયસ બોર્ગ હૉઇબી જ્યારે માત્ર ૪ વર્ષના હતા, ત્યારે તેમની માતા મેટ-મેરિટે નૉર્વેના શાહી પરિવારમાં લગ્ન કર્યા હતા. જોકે તેઓ આ રાજપરિવારની વચ્ચે જ ઉછરીને મોટા થયા છે, પરંતુ તેઓ પોતે સત્તાવાર રીતે કોઈ શાહી પદવી ધરાવતા નથી કે તેઓ શાહી શખ્સિયત નથી.
હાલમાં તેમની માતા ક્રાઉન પ્રિન્સેસ મેટ-મેરિટ પલ્મોનરી ફાઈબ્રોસિસ નામની ગંભીર બીમારીથી પીડિત છે અને તાજેતરમાં જ તેમનું નામ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તેમની કથળતી તબિયતને કારણે, હૉઇબીના વકીલોએ અગાઉ કોર્ટ પાસે તેમને જેલમાંથી મુક્ત કરવાની વારંવાર માંગ કરી હતી જેથી તેઓ તેમની માતા સાથે સમય વિતાવી શકે. ચુકાદા બાદ પણ તેમના વકીલ પેટાર સેક્યુલિકે ફરી એકવાર કોર્ટ પાસે તેમની મુક્તિની માંગ કરી છે.
ટ્રાયલના ત્રણ ન્યાયાધીશોમાંના એક, જજ જોન સ્વેરડ્રૂપ્ર ઇફજેસ્ટેડે સોમવારે વહેલી સવારે કોર્ટની કાર્યવાહી શરૂ કરીને ચુકાદાના તારણોનો સારાંશ આપ્યો હતો, જે બાદ ૧૨૮ પાનાનો વિગતવાર આખરી ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. હૉઇબીએ પોતાના પર લાગેલા બળાત્કારના ચારેય આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ ન્યાયાધીશોએ તેમને બે મહિલાઓ સાથે બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા છે.
આ ગુનાઓમાં વર્ષ ૨૦૧૮માં ક્રાઉન પ્રિન્સની સ્કાઉગમ ખાતેની એસ્ટેટ પર એક મહિલા સાથે થયેલો બળાત્કાર અને વર્ષ ૨૦૨૪માં ઓસ્લોમાં અન્ય એક મહિલા સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ સામેલ છે. આ ઉપરાંત, કોર્ટે તેમને તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને નૉર્વેની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નોરા હૌકલેન્ડ સાથે ગેરવર્તણૂક અને શોષણ કરવા બદલ પણ દોષિત ઠેરવ્યા છે.
જોકે, નવેમ્બર ૨૦૨૪માં ઓસ્લોની એક હોટેલમાં મળેલી મહિલા અને વર્ષ ૨૦૨૩માં લોફોટેન ટાપુઓ પર રજાઓ દરમિયાન મળેલી અન્ય એક મહિલા એમ બે અન્ય બળાત્કારના આરોપોમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.