Last Updated on by Sampurna Samachar
તમે ગમે તે લખો તો પણ આ આદત તમારા વિચારોને બાંધવાનું કામ કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલાં બાળકો સાથે પરીક્ષા પે ચર્ચાનુ આયોજન કરે છે. જેને લઇ પરીક્ષા પર ચર્ચાની ૮ મી આવૃત્તિમાં તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને તેમને તણાવ મુક્ત અને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેવી રીતે લીડર બની શકાય છે. આ ઉપરાંત PM મોદીએ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવાની પણ શીખ આપી હતી.
વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, તમારા માટે સ્વસ્થ આહાર લેવો મહત્ત્વપૂર્ણ છે. તેમજ અભ્યાસની સાથે સાથે સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. બાળકોએ ગૂગલ પર એ ન જોવું જોઈએ કે શું ખાવું અને શું ન ખાવું જોઈએ બસ જે હેલ્ધી છે એ જ ખાવું જોઈએ. તેમજ માતા-પિતા જે આપે છે તે ખાવું જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ. આ ઉપરાંત લખવાની બાબતને લઈને PM મોદીએ કહ્યું કે, લખવાની આદત ખૂબ જ જરૂરી છે. તમે ગમે તે લખો તો પણ આ આદત તમારા વિચારોને બાંધવાનું કામ કરશે.
ટાઇમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. PM મોદીએ કહ્યું કે, સૌથી પહેલાં આપણે આપણા સમય વિશે વિચારવું પડશે કે હું મારા સમયનો વધુ ઉપયોગ કેવી રીતે કરી શકું. હું આ બાબતે ખૂબ જ સાવધ છું. સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું કાગળ પર લખવું જોઈએ અને ટાઇમ મેનેજમેન્ટ કરવું જોઈએ. તેને દરરોજ માર્ક કરો અને જુઓ કે તમે કયા કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વ્યક્તિએ હંમેશા પડકારોનો સામનો કરવો જોઈએ, કોઈપણ વિષયને પડકાર તરીકે જોવો જોઈએ. જે વિષય તમને ડરાવે છે તેને પહેલા ઉકેલવો જોઈએ. જ્ઞાન અને પરીક્ષા બે અલગ વસ્તુઓ છે. આ સાથે શિક્ષકોને ટાંકીને પણ વડાપ્રધાન મોદીએ વાત કરી અને કહ્યું કે, શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવાનું પણ છે.
PM મોદીએ બાળકોને એ પણ જણાવ્યું કે તેઓ તેમના મનને કેવી રીતે શાંત રાખી શકે છે. તેમણે કહ્યું કે, અર્થહીન વાત કરવાને બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો તમે અન્ય બાબતો વિશે વધુ પડતી વાત કરશો તો તમારું મન ભટકશે. ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારી નિષ્ફળતાને તમારો શિક્ષક બનાવવો પડશે. જીવનનો મતલબ માત્ર પરીક્ષાઓ જ નથી.
માતા-પિતાને અપીલ કરતાં PM મોદીએ કહ્યું કે, દરેક માતા-પિતાની કેટલીક અપેક્ષાઓ હોય છે. અન્ય લોકોના બાળકોને જોઈને તેમના પોતાના ઇગો હર્ટ થાય છે. તેમનું સોશિયલ સ્ટેટસ જ તેમના માટે અવરોધ બની જાય છે. હું માતાપિતાને અપીલ કરું છું કે તેઓ તેમના બાળકને દરેક જગ્યાએ એક મોડેલ તરીકે ઊભા ન કરે. દુનિયાનું દરેક બાળક એક સરખું નથી હોતું. કેટલાક બાળકો રમતમાં સારા અને અભ્યાસમાં નબળા હોય છે. બાળકોના માતા-પિતા અને શિક્ષકોએ તેમની અંદર છુપાયેલી પ્રતિભાને નિખારવાની જરૂર છે. આવડતની શક્તિ ઘણી વધારે છે. આપણે આવડત પર વધુ ધ્યાન આપવું જોઈએ.
PM મોદીએ શિક્ષકોને કહ્યું કે, વિદ્યાર્થીઓ વચ્ચે સરખામણી ન થવી જોઈએ, કોઈ પણ વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે ટોકવો ન જોઈએ. આનાથી તે નિરાશ થશે અને તેઓ આગળ શીખવાનો પ્રયત્ન નહિ કરે. બાળકોએ પણ એવી વ્યક્તિ શોધવી જોઈએ જે તેમને સતત પ્રેરણા આપતા રહે. વ્યક્તિએ હંમેશા પોતાને હરાવવાનું શીખવું જોઈએ. આ માટે સેલ્ફ ગોલ હોવો જરૂરી છે, તેને પૂર્ણ કરવા પર તમારે પોતાને રિવૉર્ડ આપવો જોઈએ. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ખાસ મંત્રો આપ્યા હતા.
PM એ વિદ્યાર્થીઓને કહ્યું કે પરીક્ષા માટે પોતાની જાતને તમારે તૈયારી કરવી પડશે, તમારા પર દબાણ છે. વડાપ્રધાન મોદીએ ક્રિકેટનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ક્રિકેટ રમતી વખતે સ્ટેડિયમમાંથી અવાજ આવે છે. કોઈ કહે છે ફોર, કોઈ કહે છે સિક્સ. પરંતુ બેટ્સમેન શું કરે છે? તે બોલને જુએ છે.
જો તે આ બધામાં સામેલ થઈ જાય કે દર્શકોએ કહ્યું છે કે મારે સિક્સ ફટકારવાની છે લગાવી દઉં તો તે આઉટ થઇ જશે. જેનો અર્થ એ છે કે તેને દબાણની કોઈ પરવા નથી. તેનું સંપૂર્ણ ધ્યાન બોલ પર છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જો તમે પણ તે પ્રેશરને મનમાં ન લેતા તમારુ ધ્યાન આજે મે આટલો અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું હતું છે અને જો તેઓ કરી લો છો તો તમે તે પ્રેશરમાંથી બહાર નીકળી શકશો.