Last Updated on by Sampurna Samachar
લોકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી
દુર્ઘટનાએ અમેરિકાના ૯/૧૧ હુમલાની યાદ અપાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક નાનું વિમાન રહેણાંક બિલ્ડીંગ સાથે ટકરાતા ૩ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે જોઈને લોકો અમેરિકાના ૯/૧૧ હુમલાને યાદ કરી રહ્યા છે.

પ્રાપ્ક માહિતી અનુસાર બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં સોમવારે એક નાનું વિમાન કન્ટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની બિલ્ડીંગ સાથે ટકરાયું હતું. રિપોર્ટ અનુસાર, વિમાન હવામાં ધીમે-ધીમે નીચે આવી રહ્યું હતું અને ઊંચી બિલ્ડીંગથી બચવા માટે ડાબી તરફ વળ્યું હતું, પરંતુ અંતે તે એક બિલ્ડિંગના સીડીવાળા ભાગ સાથે ટકરાઈને પાર્કિંગમાં ખાબક્યું હતું. આ ટક્કર બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા અને લોકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી.
સદનસીબે વિમાન બિલ્ડીંગમાં ન ઘૂસતા જાનહાનિ ટળી
આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ વિમાનમાં સવાર અન્ય ૩ મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય ૨ લોકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સદનસીબે, વિમાન બિલ્ડીંગના સીડીવાળા ભાગ સાથે ટકરાયું હોવાથી ફ્લેટની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો વિમાન સીધું ફ્લેટ સાથે ટકરાયું હોત તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોત.