Last Updated on by Sampurna Samachar
પૂર્વ રાજ્ય સભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાનુ નિવેદન
આતંકવાદ માટે રૂપિયા અને પાઇરેસીની પણ મુખ્ય ભૂમિકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પાઇરેસીને દેશ અને સમાજ માટે ખતરનાક ગણાવી છે. ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ ડો. ચંદ્રાએ તેમના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘ આતંકવાદી નેટવર્ક ફક્ત વિચારધારા પર ટકી શકતા નથી, તેઓ પૈસા પર ટકી રહે છે અને પાઇરેટેડ સામગ્રી તેમના સૌથી શાંત સ્ત્રોતોમાંનો એક છે. પાઇરેસી (Piracy) થી દેશને ભારે નુકસાન થઈ રહ્યું છે. પાઇરેસીનું બ્લેક માર્કેટ હજારો કરોડ રૂપિયાનું છે.
તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર, દેશમાં ૨૨,૪૦૦ કરોડ રૂપિયાના ફિલ્મ લીક કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક ચિંતાજનક ઘટનાક્રમમાં રેડ ૨, સિકંદર અને જાટ જેવી મોટી હિન્દી ફિલ્મો તેમના થિયેટરમાં રિલીઝ થવાના એક દિવસ પહેલા ઓનલાઈન લીક થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. જોકે, આ રીતે ફિલ્મો લીક થવી એ આ ઈન્ડસ્ટ્રીના આંતરિક લોકોની સંડોવણી તરફ ઈશારો કરે છે. પાઇરેસી દ્વારા કમાયેલા રૂપિયાનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે થઈ શકે છે.
છેલ્લા ઘણા વર્ષોથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે
મીડિયા પાર્ટનર્સ એશિયાના વિશ્લેષણ અનુસાર વૈશ્વિક સ્તર પર ભારત ૯૦.૩ મિલિયનથી વધુ યુઝર્સ સાથે ઓનલાઈન વીડિયો પાઇરેસી બજારમાં સૌથી ઉપર એટલે કે પ્રથમ સ્થાન પર છે, ત્યારબાદ ઇન્ડોનેશિયા (૪૭.૫ મિલિયન) અને ફિલિપાઇન્સ (૩૧.૧ મિલિયન) નો નંબર આવે છે.
પાઇરેસીનું નુકસાન માત્ર ઇન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીને જ નથી થતું, પરંતુ સમગ્ર દેશને નુકસાન પહોંચાડે છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ મે ૨૦૨૫માં તેમના નિર્ધારિત સિનેમા પ્રીમિયરના એક દિવસ પહેલા જ ઘણી ફિલ્મો લીક થઈ ગઈ હતી. જ્યારે EY – IAMAI એન્ટી-પાઇરેસી સ્ટડી ૨૦૨૪ ઉર્ફે ધ રોબ રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.
આ શરૂઆતના લીકેજ, જે રિલીઝ પછીની સામાન્ય પાઇરેસીથી અલગ છે, તેણે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગંભીર ચિંતા પેદા કરી દીધી છે. EY – IAMAI અનુસાર અને ET દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ ભારતીય મીડિયા ઉદ્યોગને ૨૦૨૩માં પાઇરેસીને કારણે ભારે નુકસાન થયું હતું. દુ:ખદ વાત એ છે કે સરકાર અને પોલીસની બધી કાર્યવાહી અપૂરતી છે.