Last Updated on by Sampurna Samachar
DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ આપી માહિતી
ચીનની PL – 15 મિસાઇલ તોડી પડાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના DGMO એ મીડિયાને સંબોધન કર્યું હતું. આ તમામે ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી. જેમાં DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ‘અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે ૭ મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો. પહલગામ હુમલા બાદ આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. જેનો જવાબ આપવો જરૂરી હતો.
ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ એ. કે. ભારતી, DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ વાઈસ એડમિરલ એ. એન. પ્રમોદે પ્રેસ બ્રીફિંગમાં માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે પાકિસ્તાન અને POK માં કરેલા ઓપરેશનની વિસ્તૃત માહિતી આપી રહ્યા છીએ. અમારી લડત આતંકવાદીઓ સામે હતી. અમે માત્ર આતંકવાદી ઠેકાણા પર જ હુમલા કર્યા હતા, પણ પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્યો, જે કમનસીબી છે. ત્યાર પછી પાકિસ્તાનને જે પણ નુકસાન થયું, તે માટે તે પોતે જ જવાબદાર છે.
ભવિષ્યમાં કાર્યવાહી કરવા સક્ષમ
પાકિસ્તાનના ડ્રોનને અમારી શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. BSF જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતાં. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતાં રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખની છાવણી, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. ભવિષ્યમાં જરૂર પડ્યે તો કાર્યવાહી કરવા માટે પણ સંપૂર્ણ સક્ષમ છે.
ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત રહી હતી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર દેખાવ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા વાપરવામાં આવેલી ચીનની PL – 15 મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. તૂર્કિયેમાં નિર્મિત ડ્રોન અને ચીનની મિસાઈલને નિષ્ફળ બનાવવામાં આવી. તેના અમુક ટુકડાંઓ મળી આવ્યા છે. આતંકવાદીઓ પર હુમલાઓ અમે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કર્યા વિના જ કર્યા હતાં. અમે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.