Last Updated on by Sampurna Samachar
૮૫૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યા ને સામે ૫૨ કરોડની કમાણી થઇ
PCB એ ઘરેલુ ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૯ વર્ષ બાદ પોતાની મેજબાનીમાં ICC ટુર્નામેન્ટ કરાવવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડી ગયું છે. કંગાળી વેઠી રહેલા પાકિસ્તાની બોર્ડને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની મેજબાનીથી લગભગ ૮૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટુર્નામેન્ટની ફાઈનલ ૯ માર્ચે થઈ હતી. જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.
પાકિસ્તાને સ્વપ્ન જોયા હતાં કે તેને આ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીથી અબજો રૂપિયાનો ફાયદો થશે પરંતુ મામલો ઉલટો જ પડી ગયો. ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની બોર્ડે સ્ટેડિયમને સુધારવામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા પરંતુ તેને આખરે ૮૫ ટકા નુકસાન વેઠવું પડ્યું.
પાકિસ્તાનનુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન
PCB એ ઘરઆંગણે મેચ કરાવવા માટે લગભગ ૮૫૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમ છતાં તેને માત્ર ૫૨ કરોડ રૂપિયાની જ કમાણી થઈ, જેનાથી તેને લગભગ ૭૯૯ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવુ પડ્યું. તેની અસર ખેલાડીઓ પર જ પડી છે. PCB એ આ નુકસાનની ચૂકવણી માટે ઘરેલુ ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાન (PAKISTHAN) ના ૩ વેન્યૂ લાહોર, કરાંચી અને રાવલપિંડીમાં હતી. જ્યારે ભારતીય ટીમે પોતાની તમામ મેચ દુબઈમાં રમી. ફાઈનલ પણ દુબઈમાં જ થઈ હતી. પાકિસ્તાની બોર્ડે ત્રણેય ઘરેલુ સ્ટેડિયમોને ઠીક કરવામાં ૫૮ મિલિયન ડોલર ખર્ચ કર્યા હતાં. આ PCB ના કુલ બજેટનું ૫૦ ટકા વધુ છે. ૪૦ મિલિયન ડોલર (લગભગ ૩૪૭ કરોડ ભારતીય રૂપિયા) ટુર્નામેન્ટની તૈયારીમાં ખર્ચ કર્યા. આટલો કુલ ખર્ચ કર્યા બાદ પીસીબીને લગભગ ૫૨ કરોડ રૂપિયાનો જ ફાયદો થયો છે. દરમિયાન તેને ટુર્નામેન્ટમાં લગભગ ૮૫% નુકસાન વેઠવું પડ્યું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં થયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ કોઈ મેચ જીત્યા વિના ૫ દિવસમાં જ બહાર થઈ ગઈ હતી. ટીમ ગ્રૂપ સ્ટેજમાં આગળ વધી શકી નહીં. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને ભારતે હરાવ્યુ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ વરસાદથી ધોવાઈ ગઈ હતી.