Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનના એરલાઇન્સને ભારતના એર સ્પેસમાં પ્રતિબંધ મુકાયો
મુસાફરીમાં લોકોનો સમય અને ખર્ચ બગડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક ર્નિણયો લઈ રહ્યું છે. ભારતે પોતાના એર સ્પેસ પાકિસ્તાન માટે બંધ કરી દીધા અને પાકિસ્તાનના ISPR ઑફિશિયલ યુટ્યુબ ચેનલને પણ ભારતમાં બ્લોક કરી દીધા છે. આ પહેલાં કેન્દ્ર સરકારે પાકિસ્તાનની અનેક હસ્તીઓના યુટ્યુબ ચેનલ અને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X બ્લોક કરી દીધું હતું.
ભારતમાં હવે ડૉન સહિત ૧૬ પાકિસ્તાની યુટ્યુબ ચેનલ બ્લોક છે. ભારતે ભારતીય સેના, ભારત સરકાર, ભારતીય સુરક્ષા એજન્સી સામે ખોટી, ભ્રામક, જૂઠી અને ભડકાઉ સૂચનાઓ પ્રસારિત કરવાને લઈને પાકિસ્તાનના યુટ્યુબ અને X હેન્ડલને ભારત માટે બ્લોક કરવાનો ર્નિણય લીધો છે.
શ્રીલંકા અને ચીનના એરસ્પેસમાં એન્ટ્રી કરવી પડશે
જણાવી દઈએ કે, ભારતે પાકિસ્તાન માટે પોતાના એર સ્પેસ પણ બંધ કરી દીધું છે. ભારતે આ સંદર્ભમાં નોટિસ ટૂ એરમેન પણ જાહેર કર્યું છે અને ૨૩ મે સુધી આ લાગુ રહેશે. નોટમ જાહેર થયા બાદ પાકિસ્તાનની કોઈપણ એરલાઇનનું કોઈપણ વિમાન ભારતના એર સ્પેસમાં ઘુસી નહીં શકે. ભારતીય એર સ્પેસ બંધ થવાની પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ભારતીય એર સ્પેસ બંધ થયા બાદ પાકિસ્તાની એરલાઇન્સને દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં જવા માટે શ્રીલંકા અને ચીનના એરસ્પેસમાં એન્ટ્રી કરવી પડશે.
આવું કરવાથી હવાઈ રસ્તો લાંબો થઈ જશે, જેના કારણે એરલાઇન્સનો ખર્ચ વધી જશે. ખર્ચ વધશે તો એરલાઇન્સ ટિકિટ મોંઘી કરશે, જેનો ભાર તેના ખિસ્સા પર પડશે. એરલાઇન્સ અને લોકોના ખિસ્સા પર ભારણ પડશે અને લોકોનો સમય પણ બગડશે.