Last Updated on by Sampurna Samachar
૪૪ , ૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે જહાજો
સમુદ્રમાં છુપાયેલા લેન્ડમાઇન્સને શોધી કાઢવા પ્લાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની શક્તિનુ પ્રદર્શન થયુ હતું. જ્યાં ભારતીય સેનાએ પાડોશી દેશની મિસાઇલ અને ડ્રોનને તોડી પાડી પાકિસ્તાનને ઘુંટણિયે બેસાડી દીધુ હતું. ત્યારે વાયુસેનાને મજબૂત બનાવવાની સાથે, સરકાર નૌકાદળને પણ મજબૂત બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે, ભારત સરકારે ૪૪ , ૦૦૦ કરોડ રૂપિયાની યોજના બનાવી છે, જે હેઠળ સમુદ્રમાં છુપાયેલા લેન્ડમાઇન્સને શોધી કાઢવા અને તેનો નાશ કરવા માટે ૧૨ ખાસ યુદ્ધ જહાજો બનાવવામાં આવશે.
મળતા અહેવાલ મુજબ, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનો ર્નિણય લીધો છે. આ ૧૨ માઇન કાઉન્ટરમેઝર વેસલ્સ ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવશે, જે સમુદ્રમાં દુશ્મનો દ્વારા બિછાવેલા લેન્ડમાઇન્સને શોધીને તેનો નાશ કરશે. આ યુદ્ધ જહાજોની કિંમત લગભગ ૪૪,૦૦૦ કરોડ રૂપિયા હશે અને તે ફક્ત ભારતીય શિપયાર્ડમાં જ બનાવવામાં આવશે.
પ્રથમ MCMV તૈયાર થવામાં ૭-૮ વર્ષ લાગી શકે
ભારતીય નૌકાદળ પાસે હાલમાં એક પણ MCMV નથી. અગાઉ તેની પાસે કેટલાક કરવાર-ક્લાસ અને પોંડિચેરી-ક્લાસ માઇનસ્વીપર્સ હતા, જે ઘણા વર્ષો પહેલા નિવૃત્ત થઈ ગયા હતા. હાલમાં, નૌકાદળ કેટલાક જહાજો પર સ્થાપિત ક્લિપ-ઓન માઇન કાઉન્ટરમેઝર સ્યુટ્સથી કામ ચલાવી રહ્યું છે, જે ૭,૫૧૬ કિમી લાંબા દરિયાકાંઠા અને ૧૩ મુખ્ય અને ૨૦૦ નાના બંદરોને સુરક્ષિત રાખવા માટે પૂરતા નથી.
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ સમક્ષ આવશ્યકતાની સ્વીકૃતિ માટે મૂકવામાં આવશે. આ પછી, ભારતીય શિપયાર્ડ્સ પાસેથી ટેક્નો-કોમર્શિયલ બિડ્સ આમંત્રિત કરવામાં આવશે. કરાર પર હસ્તાક્ષર થયા પછી, પ્રથમ MCMV તૈયાર થવામાં ૭-૮ વર્ષ લાગી શકે છે.
ચીન અને પાકિસ્તાન તરફથી વધતા દરિયાઈ ખતરાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે. ચીની સબમરીન અને પાકિસ્તાનની નવી યુઆન-ક્લાસ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન ભારતને નુકસાન પહોંચાડી શકશે નહીં. આ માટે, તેમનું નિર્માણ જરૂરી છે. આ પગલાથી નૌકાદળની તાકાત વધશે અને મેક ઇન ઇન્ડિયાને પણ વેગ મળશે.