Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટનો જુનિયર સિવિલ જજની નિમણૂકને લઇ ચૂકાદો
ઓછામાં ઓછા ત્રણ વર્ષની લીગલ પ્રેક્ટિસ જરૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટ દ્વારા જૂનિયર ડિવિઝન સિવિલ જજની નિમણૂક પર મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ પદ પર પરીક્ષા આપવા માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછા ત્રણ વર્ષની લીગલ પ્રેક્ટિસનો અનુભવ હોવો જરૂરી છે. લૉ ગ્રેજ્યુએટ (law graduates) થયા બાદ ત્રણ વર્ષ સુધી વકીલ તરીકે કામ કર્યા બાદ જૂનિયર ડિવિઝન સિવિલ જજની પરીક્ષા આપી શકાશે. હવે તેઓ સીધા સિવિલ જજ બની શકશે નહીં.
CJI બી.આર. ગવઈ, જસ્ટિસ એજી મસીહ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. CJI ગવઈએ કહ્યું કે, નવા લૉ ગ્રેજ્યુએટ સીધા જૂનિયર ડિવિઝન સિવિલ જજની પરીક્ષા આપી શકશે નહીં. ઓછામાં ઓછા ત્રણ વર્ષની લીગલ પ્રેક્ટિસ જરૂરી છે.
ઉમેદવાર પાસે કોર્ટની કામગીરીનુ નોલેજ જરૂરી
સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટ અને રાજ્ય નિયમોમાં સંશોધન કરવા કહ્યું છે. તેમજ સિવિલ જજ સિનિયર ડિવિઝન માટે વિભાગીય પરીક્ષા મારફત પ્રમોશન રિઝર્વેશન ૧૦ ટકાથી વધારી ૨૫ ટકા કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, ત્રણ વર્ષની મુદ્દત રજિસ્ટ્રેશન તારીખથી માન્ય ગણાશે. હાઈકોર્ટની પરીક્ષાઓ પર આ નિયમ લાગુ નહીં થાય. હાલ હાઈકોર્ટના જજની પરીક્ષા આપતાં ઉમેદવારો પર સુપ્રીમ કોર્ટનો આ નવો નિયમ લાગુ થશે નહીં.
કોર્ટે ત્રણ વર્ષનો અનુભવ રજૂ કરવા ઉમેદવારોને છૂટ આપી છે કે, દસ વર્ષથી કામ કરી રહેલા વકીલનું સર્ટિફિકેટ માન્ય ગણાશે. જોકે, એડવોકેટ પાસે જ્યુડિશિયલ અધિકારીની માન્યતા હોવી જરૂરી છે. વધુમાં ત્રણ વર્ષથી લૉ ક્લાર્ક તરીકે કામ કરી રહેલો ઉમેદવાર પણ આ પરીક્ષા આપી શકશે.
સુપ્રીમ કોર્ટે આ ર્નિણય જાહેર કરતાં જણાવ્યું હતું કે, જે લૉ ગ્રેજ્યુએટ પાસે એક દિવસની પણ લીગલ પ્રેક્ટિસનો અનુભવ ન હોય, તેવા લોકોને સિવિલ જજનું પદ આપવું મુશ્કેલીઓ સર્જી શકે છે. ૨૦ વર્ષથી આ પ્રેક્ટિસ ચાલી રહી છે. જેના સારા પરિણામ આવ્યા નથી. લૉ ગ્રેજ્યુએટ્સ પણ જજના પદ પર અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. માત્ર કાયદાના પુસ્તકો વાંચી કે ટ્રેનિંગની મદદથી કોર્ટ સિસ્ટમનું નોલેજ મળે નહીં. ઉમેદવાર પાસે કોર્ટના કામકાજનું નોલેજ હોવુ જરૂરી છે. તેને જાણ હોવી જોઈએ કે, વકીલ તથા જજ કોર્ટમાં કેવી રીતે કામ કરે છે.