Last Updated on by Sampurna Samachar
સરકાર નાગરિકોને આપી રહી છે ગેરીલા યુદ્ધની ટ્રેનિંગ
હવાનાની સરકારી ઇમારતોને એલર્ટ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાની જાસૂસી સંસ્થાના વડા જોન રેટક્લિફની ક્યુબાની રાજધાની હવાનાની અચાનક મુલાકાત બાદ બંને દેશો વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા હતા. અમેરિકા ગમે ત્યારે લશ્કરી હુમલો કરી શકે તેવી આશંકા વચ્ચે ક્યુબા સરકારે દેશભરમાં યુદ્ધ સ્તરની તૈયારીઓ તેજ કરી દીધી છે.

સંભવિત અમેરિકી હુમલાને જોતા હવાનાની સરકારી ઇમારતોને એલર્ટ પર રહેવા અને લોકોને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. અમેરિકા સામે લડવા માટે ક્યુબાના સરકારી મીડિયામાં સામાન્ય નાગરિકોને લશ્કરી તાલીમ લેતા દર્શાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફિદેલ કાસ્ટ્રોની સમગ્ર જનતાની લડાઈ રણનીતિ હેઠળ સામાન્ય લોકોને પણ ગુરિલ્લા યુદ્ધ શીખવવામાં આવી રહ્યું છે.
વેનેઝુએલાથી ક્યુબા આવતી તેલની સપ્લાય પર સંપૂર્ણ પ્રતિબંધ
ક્યુબાની સેના પાસે આધુનિક હથિયારોની ભારે અછત છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સૈનિકો જૂના સોવિયત યુગના હથિયારો સાથે સૈન્ય અભ્યાસ કરતા અને એન્ટી-એરક્રાફ્ટ ગનને બળદો વડે ખેંચતા જોવા મળ્યા છે.
લશ્કરી ઇતિહાસકારોના મતે, આધુનિક હથિયારો વિના પણ ક્યુબાની સેના અમેરિકી હુમલા સામે લાંબો સમય ટકી રહેવાની અને નાગરિકોને સંગઠિત કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. અમેરિકાએ વેનેઝુએલાથી ક્યુબા આવતી તેલની સપ્લાય પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, અમેરિકી કોસ્ટ ગાર્ડે તાજેતરમાં કોલંબિયાથી ક્યુબા જઈ રહેલા એક ઓઈલ ટેન્કરને પણ રસ્તામાં રોકી લીધું હતું. જેના કારણે ક્યુબામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
ક્યુબાના બ્લેક માર્કેટમાં પેટ્રોલની કિંમત ૩૫ ડોલર પ્રતિ ગેલોન સુધી પહોંચી ગઈ છે.દેશભરમાં દરરોજ કલાકો સુધી પાવર કટ રહે છે. હોસ્પિટલોમાં જરૂરી દવાઓની અછતને કારણે ઓપરેશનો અને સર્જરી ટાળવી પડી રહી છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યુબા પર દબાણ વધારીને ત્યાં અમેરિકી રોકાણ માટેના રસ્તા ખોલવા માંગે છે. વર્ષ ૧૯૯૮ અને ૨૦૧૨માં પણ ટ્રમ્પની કંપનીઓએ ક્યુબામાં ગોલ્ફ કોર્સ અને રિસોર્ટ બનાવવા માટે ગુપ્ત પ્રવાસો કર્યા હતા.
ટ્રમ્પે તાજેતરમાં ક્યુબા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “તે એક નિષ્ફળ દેશ છે. તેમની પાસે ન તો પૈસા છે, ન તેલ, કંઈ જ નથી. પરંતુ તે એક સુંદર ટાપુ છે.” જોકે આ દરમિયાન ટ્રમ્પની ભૌગોલિક અજ્ઞાનતા પણ સામે આવી, જ્યારે તેમણે કહ્યું કે ક્યુબામાં વાવાઝોડા નથી આવતા, જ્યારે હકીકતમાં ક્યુબા દર વર્ષે ભયાનક વાવાઝોડાઓનો સામનો કરે છે.