Last Updated on by Sampurna Samachar
મહિલા કર્મચારીઓને મેટરનીટી લીવ બાબતે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો
પહેલાં લગ્નના બે બાળકોમાં મેટરનીટી લીવ મળે તેમ કહી રિજેક્ટ કર્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે મેટરનિટી લીવ મુદ્દે મહિલાઓ માટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, મેટરનિટી લીવ પ્રત્યેક મહિલાનો મહિલાના પ્રસૂતિ લાભો અને પ્રજનન અધિકારોનો મહત્વનો ભાગ છે. જે તેનો મૂળભૂત હક છે. તેને અવગણી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક સરકારી મહિલા કર્મચારીની અરજી પર આ નિર્દેશ આપ્યો હતો. તમિલનાડુની એક સરકારી મહિલા કર્મચારીને તેના બીજા લગ્ન થકી પ્રેગનન્સી દરમિયાન એટલા માટે મેટરનિટી લીવ આપવામાં ન આવી હતી કારણકે, તેના પહેલા લગ્ન થકી બે બાળકો હતાં. તમિલનાડુ સરકારે તેની મેટરનિટી લીવ (maternity leave) એટલા માટે રિજેક્ટ કરી કે, પહેલાં બે બાળકોના જન્મ પર જ મેટરનિટી લીવ મળે છે.
સરકારી કે ખાનગી તમામ નોકરીમાં આ હક મળવો જોઇએ
મહિલાએ અપીલ કરી હતી કે, પહેલા લગ્નમાં બાળકોના જન્મ સમયે મેટરનિટી લીવનો લાભ લીધો ન હતો. બીજા લગ્ન બાદ તેને સરકારી શાળામાં નોકરી મળી હતી. સુપ્રીમે ચુકાદો આપ્યો કે, મેટરનિટી લીવ માતૃત્વ સુવિધા નિયમોનું અભિન્ન અંગ છે. તે મૂળભૂત હક છે. કોઈપણ સંસ્થા મેટરનિટી લીવના હકથી કોઈપણ મહિલાને વંચિત રાખી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૭ માં માતૃત્વ લાભ અધિનિયમમાં સંશોધન કરી મેટરનિટી લીવ ૧૨ સપ્તાહથી વધારી ૨૬ સપ્તાહ કરી હતી. તમામ મહિલા કર્મચારીઓને પહેલા અને બીજા બાળકના જન્મ માટે મેટરનિટી લીવ મળે છે. બાળક દત્તક લેતી મહિલાને પણ ૧૨ સપ્તાહની મેટરનિટી લીવ મળે છે.
ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટે અનેક મામલામાં મેટરનિટી લીવના હક પર ભાર મૂક્યો છે. એક કેસમાં કહ્યું હતું કે, મેટરનિટી લીવ તમામ મહિલા કર્મચારીઓનો મૌલિક હક છે. સરકારી હોય કે ખાનગી તમામ નોકરીમાં તેમને આ હક મળવો જોઈએ.