Last Updated on by Sampurna Samachar
બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી આરોપીઓની ધરપકડ
પશ્ચિમ બંગાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આરોપીઓને દબોચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળ STF એ બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે.

પશ્ચિમ બંગાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ બિહારના બક્સર અને ઉત્તર પ્રદેશના બલિયામાં દરોડા પાડીને ત્રણ લોકોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં મયંક રાજ મિશ્રા, વિકી મૌર્ય અને રાજ સિંહનો સમાવેશ થાય છે. આ તમામની મધ્યમગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સીઆઈડી અને પોલીસની ટીમ આ શખ્સોની પૂછપરછ કરી રહી છે જેથી હત્યા પાછળના મુખ્ય હેતુ અને અન્ય સંડોવાયેલા લોકો વિશે માહિતી મેળવી શકાય.
પોલીસ આગામી સમયમાં ચોંકાવનારા ખૂલાસા કરી શકે
તપાસ અધિકારીઓને આ આરોપીઓ સુધી પહોંચવામાં ટેકનોલોજીએ મોટી મદદ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓ પૈકી એકે ટોલ પ્લાઝા પર UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. આ પેમેન્ટના આધારે તપાસકર્તાઓને તેમનું લોકેશન ટ્રેક કરવામાં સફળતા મળી. ત્યારબાદ ગુપ્ત માહિતીના આધારે બિહાર અને યુપીના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમને દબોચી લેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ૬ મેની રાત્રે કોલકાતાના ઉત્તરીય પરા વિસ્તારમાં આવેલા મધ્યમગ્રામના ડૌલતલા ખાતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ચંદ્રનાથ રથ પોતાની કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા હુમલાખોરોએ તેમની કારનો પીછો કર્યો હતો. કારને રોક્યા બાદ હુમલાખોરોએ કારની બારીના કાચ ઉપર હોવા છતાં અત્યંત નજીકથી ગોળીબાર કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રનાથનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે બિહારના બક્સરના વતની છે, જ્યારે ત્રીજો આરોપી ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ શૂટર્સને સુપારી કોણે આપી હતી અને આ હત્યા પાછળ કોઈ રાજકીય કાવતરું છે કે અંગત અદાવત. પોલીસ આગામી સમયમાં સત્તાવાર નિવેદન બહાર પાડીને આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્યતા છે.