Last Updated on by Sampurna Samachar
પોલીસની ઝડપી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ
ઘણા ગુનેગારોએ સામેથી જ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશ પોલીસે રાજ્યમાં વધતા ગુનાઓને ડામવા ગુનેગારો સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરીને છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ એન્કાઉન્ટર કર્યા છે. આમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક શાર્પશૂટરને ઠાર મારવામાં આવ્યો છે, સાથે જ એક ડઝનથી વધુ ગુનેગારોને પગમાં ગોળી મારીને પકડી લેવામાં આવ્યા છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ગુનેગારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જેથી ઘણા ગુનેગારોએ સામેથી જ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.
ઉત્તરપ્રદેશ પોલીસના STF અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં લોરેન્સ ગેંગ સાથે જોડાયેલ કુખ્યાત ગુનેગાર નવીન પણ ઠાર થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવીન લોરેન્સ ગેંગનો શાર્પ શૂટર હતો અને તેની સામે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં અડધા ડઝનથી વધુ કેસ ચાલી રહ્યા હતા.
એન્કાઉન્ટરની શરૂઆત લખનૌથી કરાઇ
યુપી STF ને એક બાતમી મળી હતી કે આ ગુનેગાર હાપુડના કોતવાલી વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાદ યુપી STF એ દિલ્હી પોલીસ સાથે મળીને તેને ઘેરી લીધો હતો. દરમિયાન, નવીને પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં પોલીસની ટીમે તેના પર ફાયરિંગ કર્યું હતું.
પોલીસે આ એન્કાઉન્ટરની શરૂઆત યુપીની રાજધાની લખનૌથી કરી હતી. સૌપ્રથમ પોલીસને, ૫ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરીને ફરાર ગુનેગાર કમલ કિશોર વિશે માહિતી મળી હતી. તેના આધારે, પોલીસે તેને માડેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, ગુનેગારે પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો અને ભાગી ગયો હતો. જોકે પોલીસે બાદમાં તેને શોધી કાઢ્યો હતો. બીજી તરફ, ગાઝિયાબાદ પોલીસે પણ કુખ્યાત લૂંટારુને સામ-સામે ફાયરિંગ કર્યા બાદ પકડી લીધો છે.
પોલીસની આ કાર્યવાહી બાદ જાલૌન જિલ્લામાં પણ ગુનેગારોમાં પોલીસનો ડર જોવા મળ્યો હતો. અહીં પોલીસે કોંચમાં નવીન જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવનારા બે ગુનેગારોને ઘેરી લીધા હતા. પોલીસે આ ગુનેગારોને સરેન્ડર કરવાનું કહ્યું, પરંતુ ગુનેગારોમાંથી એક ગોલુ ઉર્ફે અજય કુશવાહાના પુત્ર રાજેન્દ્ર કુશવાહાએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસે પણ વળતો જવાબ આપ્યો અને અજયને પગમાં ગોળી મારી દીધી હતી. તેને ગોળી વાગતી જોઈને તેનો સાથી રામુ કુશવાહ ધ્રૂજવા લાગ્યો હતો અને તેણે પોતે હાથ ઊંચા કરીને સરેન્ડર કર્યું હતું.
યુપી પોલીસ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં આ એન્કાઉન્ટર કાર્યવાહી થઈ છે. જોકે, પોલીસે ઉન્નાવ જિલ્લામાં બુધવારે મોડી રાત્રે એન્કાઉન્ટરમાં એક બદમાશને પકડ્યો હતો, જોકે બે અન્ય બદમાશો ભાગી જવામાં સફળ રહ્યા હતા. તેવી જ રીતે બુલંદશહેરમાં ૬ વર્ષની સગીર બાળકી પર બળાત્કાર કરવાના આરોપીને ખુર્જા દેહાત પોલીસે એન્કાઉન્ટર દરમિયાન ધરપકડ કરી છે.
સાથે જ બાગપત પોલીસે ૨ ચેઇન સ્નેચરોનો સામનો કર્યો છે. તો બીજી તરફ, આગ્રા પોલીસે બુધવારે રાત્રે જ એક બદમાશને પગમાં ગોળી મારીને પકડી લીધો હતો. બીજી તરફ, ઝાંસીમાં મોથ કોતવાલી પોલીસે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ ધરાવતા બદમાશનો સામનો કર્યો છે. તો બલિયા પોલીસે પણ એક કલાકની અંદર બે એન્કાઉન્ટરમાં બે બદમાશોની ધરપકડ કરી છે.
યુપી પોલીસના શામલી યુનિટે સહારનપુર ભટ્ટા મુનીમને લૂંટનારા ગુનેગારોને એન્કાઉન્ટરમાં પકડી લીધા છે. હાપુર પોલીસે એન્કાઉન્ટર દરમિયાન ચાર ગુનેગારોને પકડી લીધા છે. આ ગુનેગારોમાંથી એકના પગમાં ગોળી વાગી છે. જ્યારે બીજા ગુનેગારે ગોળી લાગવાના ડરથી આત્મસમર્પણ કર્યું હતું. બીજી તરફ, મુઝફ્ફરનગરમાં પોલીસે પગમાં ગોળી મારીને ત્રણ ગુનેગારોને પકડ્યા છે. આ જ ક્રમમાં, લખનૌની આલમબાગ પોલીસે એન્કાઉન્ટરમાં એક ગુનેગારની ધરપકડ કરી છે.