Last Updated on by Sampurna Samachar
કર્ણાટકમાં સાયબર ફ્રોડનો લોકો બન્યા શિકાર
અનેક લોકોએ ફેક એપ થકી લાખોનું રોકાણ કર્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકમાં સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક સાયબર ગઠિયાઓએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામે એક ફેક એપ (FAKE APP) બનાવી હતી. આ એપ થકી તેમણે અનેક લોકોને ઊંચા વળતરની લાલચ આપીને એક કરોડથી વધુ રૂપિયા સેરવી લીધા છે. આ મુદ્દે કેટલાક લોકો પોલીસ ફરિયાદ કરાવવા આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સાયબર ગઠિયાઓએ ‘ટ્રમ્પ હોટેલ રેન્ટલ’ જેવા નામે એક એપ ડિઝાઈન કરી હતી. તેના પર ટ્રમ્પનો એક AI જનરેટેડ વીડિયો બનાવીને લોકોને હાઈ રિટર્નની લાલચ આપી હતી. આ વીડિયો જોઈને અનેક લોકોએ ફેક એપ થકી લાખોનું રોકાણ કર્યું હતું.
૧૫ થી વધુ લોકો બન્યા છેતરપિંડીનો શિકાર
મળતી માહિતી મુજબ, સાયબર ગઠિયાઓએ તેમની ઝાળમાં ફસાયેલા પીડિતોને તેમની સ્કીમમાં રોકાણ કરવા માટે મોટા ઈનામનું વચન આપ્યું હતું. આ સાથે જ ઘરેથી કામ કરવાની પણ તક આપવામાં આવી હતી. ફક્ત કર્ણાટકના હાવેરી જિલ્લામાં જ ૧૫ થી વધારે આવા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે.
એક પીડિતે આ વિશે કહ્યું કે, ‘અમને ખાતા ખોલવા માટે ૧૫૦૦ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું અને કંપનીની પ્રોફાઇલ ખોલવાનું કહેવાયું હતું. દરેક આવું કામ પૂરૂ કરવાની સાથે મારા ડેશબોર્ડ પર કથિત રૂપે કમાયેલા રૂપિયામાં વધારો થતો. જોકે, હકીકતમાં મેં ૧ લાખથી વધુ રૂપિયા ગુમાવી દીધા હતા.‘