Last Updated on by Sampurna Samachar
આગની જ્વાળામાં ૧૭ લોકો હોમાયા તો ૧૦ થી વધુ ઘાયલ
આગ આ વર્ષની સૌથી મોટી ત્રાસદી માનવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદના ઐતિહાસિક ચારમીનારની પાસે સ્થિત ગુલઝાર હૌઝ વિસ્તારમાં ભયાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. રહેણાક અને વ્યાવસાયિક ઉપયોગવાળી ઇમારતમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે ૧૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ દુર્ઘટના તાજેતરના વર્ષોમાં હૈદરાબાદ (Hyderabad) ની સૌથી મોટી ત્રાસદી માનવામાં આવી રહી છે.
પ્રાથમિક રિપોર્ટ અનુસાર આગ સવારે ૫.૩૦ કલાકે તે સમયે લાગી જ્યારે લોકો ઊંઘી રહ્યાં હતા. આગ ઇમારતમાં નીચે સ્થિત એક દુકાનથી શરૂ થઈ અને ઝડપથી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. ધૂમાડાને કારણે શ્વાસ રૂંધાતા લોકોના મોત થયા છે.
મૃતકોને ૨ લાખ અને ઘાયલોને ૫૦ હજારની સહાય
ફાયર ડિપાર્ટમેન્ટને જ્યારે આગની ઘટનાની જાણકારી મળી તો ફાયરની ૧૧ ટીમ મોકલવામાં આવી હતી. તેમાં લંગર હૌઝ, મોગલપુરા, ગૌલગુડા, રાજેન્દ્ર નગર, ગાંધી આઉટપોસ્ટ અને સાલારજંગ મ્યૂઝિયમ સ્ટેશનોથી મોકલવામાં આવેલી ગાડીઓ સામેલ હતી. આ સિવાય ૨ રેસ્ક્યુ ટેન્ડર, એક બ્રોંટો સ્કાઈલિફ્ટ, ૩ વોટર ટેન્ડર અને એક ફાયર ફાઇટિંગ રોબોટની મદદ લેવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને DRDO હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગનું કહેવું છે કે આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાના સમાચાર મળતાં જ કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા ભાજપના વડા જી. કિશન રેડ્ડી અને તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકર પણ ગુલઝાર હાઉસ પહોંચ્યા, જ્યાં AIMIM નેતા મુમતાઝ અહેમદ ખાન પણ હાજર હતા. “આગ એક પરિવારની મોતીની દુકાનમાં લાગી હતી,” જી. કિશન રેડ્ડીએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું. “તેમનું ઘર દુકાનની ઉપરના માળે હતું. આ અકસ્માત શોર્ટ સર્કિટના કારણે થયો હતો. આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.”
તેમણે કહ્યું, “હું કોઈને દોષી ઠેરવી રહ્યો નથી, પરંતુ હૈદરાબાદ ઝડપથી વિકસતું શહેર હોવાથી, પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર અને વીજળી વિભાગોને મજબૂત બનાવવા જોઈએ. અહીંના ફાયર વિભાગ પાસે પૂરતા સાધનો નથી.”
બીજી તરફ, તેલંગાણાના CMO દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીડિત પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે. મૃતકોને ૨ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે.