Last Updated on by Sampurna Samachar
આ ઇમારત દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે હતી
બે લોકોથી વધુના મોતની માહિતી પ્રાપ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં સત્ય નિકેતન માર્કેટ ખાતે એક બહુમાળી PG ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બેઝમેન્ટમાં ચાલી રહેલા સમારકામ દરમિયાન અચાનક આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ જતાં અંદર હાજર વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા.

બચાવ ટુકડીઓએ અત્યાર સુધીમાં ૮ થી વધુ લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી ૨ લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી મળી. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે બનેલી આ ઘટના બાદ એનડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ઘટનાસ્થળે પહોંચી માહિતી મેળવી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર સત્ય નિકેતન માર્કેટમાં નાનકપુરા ગુરુદ્વારા નજીક આવેલી ઇમારત બપોરે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસ અને સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનને આ ઘટના અંગેની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ૧૨થી વધુ ગાડીઓ, એનડીઆરએફ, દિલ્હી પોલીસ, ડીડીએમએ અને કેટ્સ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
દિલ્હી પોલીસની સ્થાનિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ધરાશાયી થયેલી ઇમારત આશરે ૪૦ થી ૫૦ વર્ષ જૂની હતી. તેમાં બેઝમેન્ટ ઉપરાંત ઉપર પાંચ માળ આવેલા હતા અને સમગ્ર બિલ્ડિંગનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ તરીકે કરવામાં આવતો હતો. આ વિસ્તાર દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસની નજીક હોવાથી અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે.
દુર્ઘટના સમયે બેઝમેન્ટમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બિલ્ડિંગ અગાઉ એક વર્ષ પહેલાં ખાલી પણ કરાવાઈ હતી, તેમ છતાં ઉપરના માળ પર ફરીથી વિદ્યાર્થીઓ રહેતા હોવાની વિગતો સામે આવી છે.
મળતી અપડેટ્સ અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં ૮ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ૨ લોકોના મોત નીપજ્યા છે. કાટમાળમાંથી બહાર કઢાયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક એઈમ્સ જય પ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા.
એઈમ્સના જણાવ્યા મુજબ, હોસ્પિટલ લવાયેલા દર્દીઓ પૈકી બે દર્દીઓની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે એક વ્યક્તિને મૃત હાલતમાં જ લાવવામાં આવી હતી. આ દુર્ઘટના મામલે ગુરુગ્રામ સ્થિત ઇમારતના માલિક આનંદ બંસલ સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજેપી સાંસદ રામવીર સિંહ બિધૂડીએ જણાવ્યું કે સરકારે તપાસ કમિટીની રચના કરી છે અને દોષિતો સામે આકરા પગલાં લેવાશે. એનડીઆરએફના આઈજી એન.એસ. બુંદેલાના જણાવ્યા મુજબ, એનડીઆરએફના ૭૦ જવાનો, ડોગ સ્ક્વોડ અને આધુનિક કટર મશીનો સાથે સતત કાટમાળ ખસેડી રહ્યા છે. કાટમાળ નીચે હજુ પણ લોકો દબાયેલા હોવાની આશંકા વચ્ચે સ્થળ પર ફ્લડ લાઈટ્સ લગાવી દેવામાં આવી છે અને સમગ્ર બચાવ કામગીરી આખી રાત ચાલુ રાખવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરો પર ચાલી રહેલી બચાવ કામગીરીની જાતમાહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “સત્ય નિકેતનમાં બનેલી આ ઘટના અત્યંત પીડાદાયક છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતો પણ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે.