Last Updated on by Sampurna Samachar
એક્સિસ બેંકમાં પણ નાસિક ટીસીએસ જેવું જ થયું હતું
તેમણે એ વાત ઉપર ભાર મૂક્યો કે ઉત્પીડનના આવા કિસ્સાઓ ગંભીર બાબત છે અને ગુનેગારો સામે કાર્યવાહી થવી જ જોઈએ.
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના નાસિક યુનિટમાં જાતીય સતામણી અને ધર્મ પરિવર્તનના આરોપો અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે, એવો ચોકાવનારો દાવો કર્યો કે, એક્સિસ બેંકમાં તેમના કાર્યકાળ દરમિયાન આવી જ ઘટનાઓ બની હતી.

અમૃતા ફડણવીસ અગાઉ એક્સિસ બેંકમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, ટીસીએસ નાસિકમાં કથિત ‘કોર્પોરેટ જેહાદ’ વિશે વાંચીને તેમને ખૂબ જ દુ:ખ અને વેદના થઈ છે, તેમણે એ વાત ઉપર ભાર મૂક્યો કે ઉત્પીડનના આવા કિસ્સાઓ ગંભીર બાબત છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.
અવાજ ઉઠાવવો એ ખૂબ જ મહત્વપૂર્ણ
અમૃતા ફડણવીસે ટિપ્પણી કરી હતી કે, “ખાસ કરીને મહિલાઓ અંગે વધુ સતર્ક રહેવાની જરૂર છે. જ્યારે હું એક્સિસ બેંકમાં હતી, ત્યારે મને ટીસીએસની ઘટના જેવી જ એક ફરિયાદ મળી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પુરુષ કર્મચારીઓ તેમની મહિલા સાથીદારોને હેરાન કરી રહ્યા છે.
આ પુરુષ કર્મચારીઓ તેમના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હતા. જો કે, ફરિયાદ મળતાં જ વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધાં હતા.” તેમણે વધુમાં ઉમેર્યું કે જો અન્ય સંસ્થાઓમાં પણ આવી ઘટનાઓ બનતી હોય, તો ફરિયાદો તાત્કાલિક નોંધાવવી જોઈએ. આવી ઘટનાને હળવાશથી લઈને દબાવવાને બદલે તેની સામે કડક કાર્યવાહીની માંગણીઓ ઉઠાવવી જોઈએ. અમૃતા ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મૌન એ ઉકેલ નથી. અવાજ ઉઠાવવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અમૃતા ફડણવીસે કહ્યું, “આપણી મહિલાઓએ તેમની આસપાસ બનતી ઘટનાઓ પ્રત્યે સાવધ અને સતર્ક રહેવું જોઈએ. બળજબરીથી ધર્માંતરણ અને ‘લવ જેહાદ’ ગંભીર મુદ્દાઓ છે. જો આપણે ખરેખર આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું ધ્યાન રાખીએ, તો આવી ઘટનાઓ શરૂઆતમાં જ ન બને.”
અમૃતા ફડણવીસે વધુમાં એમ પણ ઉમેર્યું, “આજના યુવાનો થોડા મૂંઝવણમાં છે. તેમને આપણી સમૃદ્ધ પરંપરાઓ, વેદ અને પુરાણો વિશે જ્ઞાનનો અભાવ છે. આપણે આપણી સંસ્કૃતિ પર ગર્વ લેવો જોઈએ. હવે સમય આવી ગયો છે કે આપણે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિમાં મૂળ ધરાવતું શિક્ષણ આપીએ. જે યુવાનોમાં સાંસ્કૃતિક ચેતના જાગૃત કરે.