Last Updated on by Sampurna Samachar
મુંબઈના કુર્લા વિસ્તારમાં બની દુર્ઘટના
અનેક લોકો કાટમાળ નીચે દટાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કુર્લા વિસ્તારમાં ચિરાગ નગર સ્થિત ગૌસિયા ચાલ પર વહેલી સવારે પહાડનો એક મોટો હિસ્સો ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઇ હતી. ભારે વરસાદને કારણે થયેલા આ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.

ઘટના બનતાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા અનુસાર, આ ઘટનાની જાણ વહેલી સવારે આશરે ૩:૪૮ વાગ્યે થઈ હતી.
વિક્ટિમ-ડિટેક્શન કેમેરાનો ઉપયોગ કરાયો હતો
દુર્ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ, મુંબઈ પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ, NDRF અને BMC ના સ્થાનિક કર્મચારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. તેમજ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે ખાસ વિક્ટિમ-ડિટેક્શન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી ઝડપથી લોકોને બહાર કાઢી શકાય.
DCP ગણેશ શિંદેના જણાવ્યા અનુસાર, ઘાટકોપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અશોકનગર અને કુર્લા ક્ષેત્રમાં મૂશળધાર વરસાદના કારણે જમીન ધસી પડી હતી. બચાવ કામગીરી દરમિયાન શરૂઆતમાં બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે કુર્લા ભાભા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ૧૮ વર્ષીય સોહેલ અંસારી અને ૧૪ વર્ષીય મોહમ્મદ અંસારીનો પણ સમાવેશ થાય છે.