Last Updated on by Sampurna Samachar
NIA એ ૧૪ મે ૨૦૨૬ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી
કેસના એક આરોપીનું મોત થઈ ચૂક્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના ચર્ચિત લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટમાં પહેલી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અદાલતે NIA ની ચાર્જશીટ અને ચાલી રહેલી તપાસ તેમજ આરોપીઓની સ્થિતિ અંગે અનેક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. કેસ બીજી કોર્ટમાંથી ટ્રાન્સફર થઈને અહીં પહોંચ્યા બાદ, હવે આ મામલે ૨૭ ઑગસ્ટે ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.

કોર્ટે રૅકોર્ડ જોયા બાદ જણાવ્યું કે, NIA એ ૧૪ મે ૨૦૨૬ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી. જોકે, અદાલતે હજુ સુધી આરોપોનું સંજ્ઞાન લીધું નથી.
કોર્ટ NIA ની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા અંગે ર્નિણય કરશે
સુનાવણી દરમિયાન સામે આવ્યું કે ઉકાશા, ફેઝલ, આસિમ અને ઉસ્માન સામે NIA ની આગળની તપાસ હજુ પેન્ડિંગ છે. કોર્ટે NIA ને રિપોર્ટ સોંપવા જણાવ્યું છે કે, જ્યાં સુધી આ ૪ આરોપીઓ સામે તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી શું વર્તમાન મામલામાં આગળની કાર્યવાહી કરી શકાય કે નહીં. અદાલતે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને એક સ્પષ્ટ ટેબલ રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે, જેમાં દરેક આરોપીની ભૂમિકા અને તેની સામે મેળવેલા પુરાવાની વિગત હશે.
કેસના એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. અદાલતે NIA ને તેના મૃત્યુનો અધિકૃત રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે, જેથી તેની સામેની કાનૂની કાર્યવાહી સત્તાવાર રીતે સમાપ્ત કરી શકાય. જેલ સંબંધિત અરજીઓ: એક આરોપીએ પિતા સાથે ફોન પર વાત કરવાની પરવાનગી માંગી છે, જેના પર જેલ સુપ્રિન્ટેન્ડેન્ટને ૧૯ ઑગસ્ટે કોર્ટમાં હાજર રહી વિગતો આપવા જણાવાયું છે.
અન્ય આરોપીઓએ સેલની બહાર રહેવા માટે વધુ સમય માંગ્યો છે. મુખ્ય કેસમાં વિલંબ ન થાય તે માટે અદાલતે તમામ પેન્ડિંગ અરજીઓને અલગથી સાંભળવાનો ર્નિણય લીધો છે. હવે સૌની નજર ૨૭ ઑગસ્ટ પર ટકેલી છે, જ્યારે કોર્ટ NIA ની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા અંગે ર્નિણય કરશે.