Last Updated on by Sampurna Samachar
૧૨૫ થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટ કરવાનો પણ આરોપ
ગુનાઈત જગતમાં તેને ‘ડૉક્ટર ડેથ‘ના નામે જાણીતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિરિયલ કિલર ડોકટરની ધરપકડ કરી લેવામાં આવી છે. ટેક્સી ચાલકોની હત્યા કરી મગરોને ખવડાવનારા સીરિયલ કિલર આયુર્વેદિક ડૉક્ટરની ધરપકડ કરી છે. ગુનાઈત જગતમાં તેને ‘ડૉક્ટર ડેથ‘ના નામે ઓળખવામાં આવે છે. પોલાસીના હાથે ચઢેલા આરોપી દેવેન્દ્ર શર્મા પર હત્યા સિવાય કિડની રેકેટમાં પણ સામેલ હોવાનો આરોપ છે.
મળતી માહિતી અનુસાર, હત્યારાએ દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ૫૦ થી વધુ ટેક્સી ચાલકોની હત્યા સિવાય ૧૯૯૪ થી ૨૦૦૪ વચ્ચે ગેરકાયદે રૂપે ૧૨૫ થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટ કરવાનો પણ આરોપ છે. દેવેન્દ્ર શર્મા પેરાલ લઈને ફરાર થયા બાદ રાજસ્થાનના દૌસાના એક આશ્રમમાં પુજારી બનીને રહેતો હતો. પોલીસ આરોપી સાથે પૂછપરછ કરીને તેના નેટવર્કની તપાસ કરી રહી છે.
૫૦ થી વધારે લોકોની હત્યા કરી હોવાની કબૂલાત
ગુનેગાર ૬૭ વર્ષીય દેવેન્દ્ર શર્મા મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. તેની સામે હત્યા, અપહરણ, લૂંટ સહિત ૨૭ કેસ દાખલ છે અને તેને દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં સાત અલગ-અલગ મામલે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ગુડગાંવની કોર્ટે ટેક્સી ચાલકની હત્યાના મામલે તેને મોતની સજા સંભળાવી હતી. તેણે ૫૦ થી વધારે લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
ગુનાઓના સાર્વજનિક થયા બાદ તેણે ૨૦૦૪ માં પોતાની પત્ની અને બાળકોને છોડી દીધા હતા. તે વર્ષ ૨૦૨૩માં તિહાડ જેલથી પેરોલ મળ્યા બાદ ફરાર થઈ ગયો હતો, ત્યારથી પોલીસ તેની તપાસ કરી રહી હતી.
ક્રાઇમ બ્રાન્ચે અલીગઢ, આગ્રા, પ્રયાગરાજ, જયપુર અને દિલ્હીમાં તેના ઠેકાણા તેમજ નેટવર્ક પર નજર રાખી રહી હતી. પોલીસને બાતમી મળી હતી કે, દેવેન્દ્ર શર્મા રાજસ્થાનના દૌસા સ્થિત એક આશ્રમમાં પુજારીના રૂપે સંતાયેલો છે.
SP ઉમેશ બડથવાલની ટીમે યોજના હેઠળ રાજસ્થાનના દૌસા સ્થિત આશ્રમમાં અનુયાયી હોવાનો ડોળ કરી આરોપીની મુલાકાત કરી છે. આ સુનિશ્ચિત કરવા માટે તેના પર નજર રાખવામાં આવી કે, તે ડૉ. દેવેન્દ્ર શર્મા છે કે નહીં. પુષ્ટિ થયા બાદ ટીમે તેને ઝડપી પાડ્યો અને પૂછપરછમાં આરોપીએ પોતાના ગુનાઈત ભૂતકાળની કબૂલાત કરી અને સ્વીકાર કર્યો કે, તે ક્યારેય જેલમાં પરત ન ફરવા માટે ઈરાદાથી પેરોલ પર બહાર આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના અલીગઢ નિવાસી આરોપી દેવેન્દ્ર શર્માના પિતા બહિરાના સિવાનમાં એક દવાની કંપનીમાં કામ કરતા હતા. ૧૯૮૪માં શર્માએ બિહારથી બેચલર ઑફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી ડિગ્રી હાંસલ કરી. સ્નાતક થયા બાદ રાજસ્થાનના બાંદીકુઈમાં જનતા ક્લિનિક ખોલ્યું હતું, જેને ૧૧ વર્ષ સુધી ચલાવવામાં આવ્યું.
આરોપી દેવેન્દ્ર શર્માએ ૧૯૯૫થી ૨૦૦૪ વચ્ચે ગેરકાયદે ગેસ એજન્સી, કિડની રેકેટ અને ટેક્સી ચાલકોનું અપહરણ કરી તેમની હત્યા કરી હતી. આરોપી પોતાના સાથીઓ સાથે મળીને ટેક્સી અને ટ્રક ચાલકોની હત્યા કરી મૃતદેહોને ઉત્તર પ્રદેશના કાસગંજમાં હઝારા નહેરમાં મગરને ખવડાવી દેતો, જેથી કોઈ પૂરાવા ન મળે. આરોપ છે કે, ૧૯૯૮થી ૨૦૦૪ વચ્ચે દેવેન્દ્રએ એક અન્ય ડૉક્ટર અમિત સાથે મળીને ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાંટનું રેકેટ ચલાવ્યુ હતુ.