Last Updated on by Sampurna Samachar
દાસ દાદા વર્ષોથી શો સાથે જોડાયેલા હતા
ટીમ દ્વારા વિડીયો શેર કરી શ્રદ્ધાંજલિ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વર્ષોથી તેમના શૉ દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તેમના શૉમાં ઘણા કલાકારો વર્ષોથી જોડાયેલા છે. કેટલાક કલાકારો પડદા પાછળ કામ કરે છે તો, કેટલાક પડદા સામે કામ કરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ દાસ દાદા એટલે કે કૃષ્ણ દાસ હતા, જે ઘણા વર્ષોથી કપિલ શર્મા શૉ સાથે જોડાયેલા હતા.
કપિલ શર્મા સાથે વર્ષો સુધી કામ કરનાર દાસ દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા. દાસ દાદા કપિલ શર્માના શૉમાં એસોસિયેટ ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા. ઘણા પ્રસંગોમાં કપિલ શર્મા તેની સાથે હસતા અને મજાક કરતા જોવા મળ્યા હતા. હવે તેમના નિધન પછી કપિલ શર્માની ટીમે એક ઈમોશનલ વીડિયો શેર કરીને દાસ દાદાને શ્રદ્ધાંજલિ આપી છે.
અમે અમારા પ્રિય દાસ દાદાને ગુમાવ્યા
કપિલ શર્મા શોની ટીમે દાસ દાદાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે અને દાસ દાદાના નામે એક ઈમોશનલ નોટ પણ લખી છે. કપિલ શર્માની ટીમ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દાસ દાદા સ્ટેજ પર ગળામાં કેમેરો લટકાવીને એન્ટ્રી કરતાં જોવા મળે છે. વીડિયોમાં તેમના કેટલાક નાના -નાના શૉટ છે, જેમાં તેઓ શૉમાં પહોંચતા મહેમાનો સાથે જોવા મળી રહ્યા છે.
વીડિયો પોસ્ટ કરતાં કપિલ શર્માની ટીમે કેપ્શનમાં લખ્યું છે કે, આજે દિલ ખૂબ ભારે છે. આજે અમે અમારા પ્રિય દાસ દાદાને ગુમાવ્યા છે, જેમણે તેમના કેમેરાથી ધ કપિલ શર્મા શૉની શરુઆતથી અત્યાર સુધી અગણિત પળોને કેદ કરી છે. તેઓ માત્ર એક એશોસિયેટ ફોટોગ્રાફર ન હતા, પરંતુ હંમેશા હસતા રહેનારા, હંમેશા દયાળુ અને પરિવારના સભ્ય તરીકે હાજર રહેતા હતા. તેમની હાજરી ન માત્ર તેમના કેમેરા દ્વારા ન હતી, પરંતુ અમારી સાથે વિતાવેલી દરેક ક્ષણમાં હૂંફ અને પ્રકાશ લઈને આવી હતી. દાદા, તમારી ખૂબ યાદ આવશે. તમારી આત્માને શાંતિ મળે. તમારી યાદો અમારા દિલમાં રહેશે.