Last Updated on by Sampurna Samachar
ફિલ્મના બે ભાગમાં નગરપાલિકા અને વકીલોને ખોટી રીતે રજૂ કરાયા
ફિલ્મના નિર્માતા અને કલાકારોને મોટી રાહત મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અભિનેતા અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ જોલી LLB ૩ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં ચાલી રહ્યું હતું. જેમાં અક્ષય કુમાર, અરશદ વારસી અને દિગ્દર્શક સુભાષ કપૂર વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતાં ફિલ્મના નિર્માતા અને કલાકારોને મોટી રાહત મળી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મમાં ન્યાયતંત્ર અને વકીલોની ખોટી છબી રજૂ કરવામાં આવી છે.
અજમેર જિલ્લા બાર ઍસોસિએશનના પ્રમુખ ચંદ્રભાન રાઠોડે ફિલ્મ જોલી LLB -૩ વિરુદ્ધ સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના પહેલા બે ભાગમાં પણ ન્યાયપાલિકા અને વકીલોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
ફિલ્મના પ્રતિબંધની માંગ કરવામાં આવી
હવે ત્રીજા ભાગમાં પણ એવી જ આશંકા છે, આથી ફિલ્મના શૂટિંગ પર રોક લગાવી દેવી જોઈએ અને એક કમિટીની રચના કરીને ફિલ્મની તપાસ કરવી જોઈએ. રાજસ્થાન હાઇકોર્ટે આ મામલે પોતાના ર્નિણયમાં કહ્યું કે, આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. તેમજ તેના કોઈ પણ સીન હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એવામાં ફક્ત આશંકાના આધારે આ ફિલ્મના પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે.
હાઇકોર્ટે (HIGHCOURT) શૂટિંગ અને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગને ફગાવી દેતાં કહ્યું કે, સિનેમેટોગ્રાફી ઍક્ટ-૧૯૫૨ અંતર્ગત ફિલ્મ રિલીઝ પહેલાં તેનું કન્ટેન્ટ જાહેર કરી શકાય નહીં. જો રિલીઝ પછી કોઈ વાંધાજનક કન્ટેન્ટ મળી આવે તો સેન્સર બોર્ડમાં ફરિયાદ કરી શકાય છે અથવા કોર્ટનો સંપર્ક કરી શકાય છે.
બાર એસોસિએશન વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ફિલ્મનું શૂટિંગ સરકારી ઈમારત – અજમેર ડીઆરએમ ઓફિસમાં પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મ નિર્માતાઓ વતી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, શૂટિંગ માટે સંપૂર્ણ પરવાનગી લેવામાં આવી હતી અને તેના બદલામાં રેલવેને લગભગ ૨૫ લાખ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. આ શૂટિંગ ૨૫ એપ્રિલથી ૧૦ મે ૨૦૨૪ સુધી ચાલ્યું હતું.
હાઇકોર્ટનો આ ર્નિણય સ્પષ્ટપણે દર્શાવે છે કે ફિલ્મ નિર્માણ પ્રક્રિયામાં ન્યાયિક હસ્તક્ષેપ ત્યારે જ થશે જ્યારે કાયદાકીય માળખાનું સ્પષ્ટ ઉલ્લંઘન જોવા મળશે. ફક્ત શંકા અને ભૂતકાળના અનુભવોના આધારે કોઈ પ્રતિબંધ લાદી શકાય નહીં. હવે જોવાનું એ છે કે જ્યારે ફિલ્મ જોલી LLB -૩ મોટા પડદા પર આવશે, ત્યારે શું તે પહેલાની જેમ વિવાદોમાં ફસાઈ જશે કે પછી ફરી એકવાર દર્શકોના દિલ જીતી લેશે !