Last Updated on by Sampurna Samachar
પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે કરોડો લોકોની આજીવિકા
દેશમાં દુધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનો મહત્વમો ફાળો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકા, જ્યારે ગુજરાતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૯.૨૬ ટકાના દરે તેજ ગતિએ વધ્યું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ૧૧.૮ મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે.
વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આજે વિશ્વનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૨ (બે) ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ GDP માં લગભગ ૪.૫ ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે.
દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ
ભારત વર્ષ ૧૯૯૮થી આજ દિન સુધી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. ભારત દેશ વાર્ષિક ૨૩૯ મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો ફાળો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલી વિવિધ પહેલોના પરિણામે દર વર્ષે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં તેજ ગતિએ વધારો થઇ રહ્યો છે. માત્ર છેલ્લા એક દાયકામાં જ દેશના દૂધ ઉત્પાદનમાં ૬૩ ટકા જેટલો વધારો નોંધાયો છે. આટલું જ નહિ, દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૪૮ ટકા વધીને ૪૭૧ ગ્રામ પ્રતિ દિન થઇ છે.
ગુજરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ આજે વાર્ષિક ૧૮ મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૫ ટકા જેટલો ફાળો આપી રહ્યું છે.
રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ૧૧.૮ મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહિ, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૩૮ ટકા વધીને ૭૦૦ ગ્રામ પ્રતિ દિન થઇ છે.
દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ, પશુઓનું સારું સ્વાસ્થ્ય અને સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર હતો. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં પશુ ચિકિત્સા-સારવારનું સુદ્રઢ માળખું ઉભું થયું છે.
ગુજરાતના મહામૂલા પશુધન માટે હાલ રાજ્યમાં ૯૨૯ પશુ દવાખાના, ૫૫૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ૫૮૭ ફરતા પશુ દવાખાના, ૩૪ વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય અને ૨૧ પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ ઉપરાંત પશુઓને સારવાર-રસીકરણ સહિતની સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં અત્યારે કુલ ૪,૨૭૬ પશુ ચિકિત્સકો (વેટરિનેરિયન) નોંધાયેલા છે. આ સુદ્રઢ પશુ આરોગ્ય માળખાના માધ્યમથી રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડીને રાજ્ય સરકાર ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.
પશુઓની ઉત્તમ સારવાર ઉપરાંત પશુપાલકો દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુ સંવર્ધનને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સારી નસલના પશુઓની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને નજીવા દરે પશુઓમાં સેક્સ્ડ સીમેન ડોઝ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનો સફળતા દર ૯૦ ટકાથી વધુ છે. એટલે કે, સેકસ્ડ સીમેન ડોઝ બાદ ૯૦ ટકા પશુઓ વાછરડીને જન્મ આપે છે. આ ઉપરાંત પશુઓમાં થતા ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા પશુપાલકોને સબસીડી આપવામાં આવી રહી છે.
રાજ્ય સરકારના બહુલક્ષી પ્રયાસોના પરિણામે જ આજે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ખૂબ જ વિકસિત બન્યો છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. ગામડાંઓમાં પશુપાલન એ લાખો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવા દૂધ ઉત્પાદક પરિવારોને અમૂલ જેવી સહકારી સંસ્થાઓએ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેથી રાજ્યના પશુપાલકો પણ આર્ત્મનિભર બન્યા છે. આગામી સમયમાં ગુજરાતને દેશનું અગ્રેસર દૂધ ઉત્પાદક રાજ્ય બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.