Last Updated on by Sampurna Samachar
ભારત વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બની
CEO બીવીઆર સુબ્રમણ્યમે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની અર્થવ્યવસ્થામાં ગ્રોથ થઇ રહ્યો છે. જ્યાં ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. નીતિ આયોગના CEO બી.વી.આર સુબ્રમણ્યમે આ માહિતી શેર કરી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ૧૦ મી બેઠક બાદ તેમણે કહ્યું, ગ્લોબલ અને ઈકોનોમિક માહોલ ભારત માટે અનુકૂળ રહેલો છે અને જેમ હું બોલું છું, આપણે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આજે આપણે ૪ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની ગયા છીએ.
ભારતે ઇતિહાસ રચી દીધો
નીતિ આયોગની બેઠક બાદ CEO બીવીઆર સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના ડેટાને ટાંકીને કહ્યું છે કે હવે ભારતીય અર્થતંત્ર જાપાન કરતા પણ મોટું થઈ ગયું છે. ભારતે આ સીમાચિહ્ન હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે અને હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મનીની અર્થવ્યવસ્થાઓ ભારતથી આગળ છે. સુબ્રમણ્યમે વધુમાં કહ્યું કે જો આપણે આપણી યોજના પર અડગ રહીશું, તો આગામી અઢીથી ત્રણ વર્ષમાં આપણે જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું.