Last Updated on by Sampurna Samachar
અમેરિકામાં યુવકની ગોળી મારીને ઘાતકી હત્યા કરાઇ
અંશુલના પરિવારના માથે આભ તૂટી પડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં તેલંગાણાના ૨૮ વર્ષીય ભારતીય યુવક અંશુલ કુંચાની હત્યાનો મામલો બહાર આવ્યો છે. પિત્ઝા ડિલિવરી કરવા દરમિયાન ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ સમગ્ર ઘટના એક સુનિયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે, જેમાં અંશુલને પિત્ઝાના ‘ફેક’ ઓર્ડર આપીને બોલાવવામાં આવ્યો હતો. અંશુલ અમેરિકામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કાયમી નોકરી કરતો હતો, પરંતુ વધારાની કમાણી કરવા માટે તે વીકેન્ડ પર પાર્ટ-ટાઇમ પિત્ઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો.

મળતી માહિતી મુજબ અંશુલને એક સુમશાન વિસ્તારમાંથી પિત્ઝા ડિલિવરીની રિક્વેસ્ટ મળી હતી. અંશુલ જ્યારે ત્યાં પિત્ઝા પહોંચાડવા ગયો ત્યારે તે વિસ્તારમાં કોઈ હાજર નહોતું. અચાનક ત્યાં બે નકાબપોશ હુમલાખોરો આવ્યા હતા અને અંશુલના માથાના ભાગે ઘણી ગોળીઓ મારી દીધી હતી. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
તેને અમેરિકા જવુ નહતુ અમે તેને મોકલ્યો , બહેને રડતાં કહ્યું
અંશુલના પરિવારના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ અંશુલ પાસેથી કોઈ લૂંટફાટ કરી નથી, જેના કારણે આ હત્યા પાછળ કોઈ મોટો હેતુ હોવાની શંકા દ્રઢ બને છે. ભૂતકાળમાં પણ અંશુલ અમેરિકામાં લૂંટનો શિકાર બન્યો હતો, જેમાં તેનો ફોન, ચેન અને રોકડ ચોરાઈ ગયા હતા, પરંતુ ત્યારે તેના પર આવો જીવલેણ હુમલો થયો નહોતો. અંશુલની બહેન તન્વીએ રડતાં રડતાં આરોપ લગાવ્યો છે કે આ પિત્ઝા ઓર્ડર માત્ર તેના ભાઈની હત્યા કરવા માટે બિછાવવામાં આવેલી એક ચાલ હતી.
છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં રહેતા અને ખૂબ જ હસમુખા સ્વભાવના અંશુલના મોતના સમાચારથી તેનો પરિવાર ભાંગી પડ્યો છે. મીડિયા સાથે વાત કરતા અંશુલની બહેને ભાવુક અપીલ કરી છે કે, “આ એ તમામ માતા-પિતા માટે એક સંદેશ છે જેઓ પોતાના સંતાનોને અમેરિકા મોકલવાનું વિચારી રહ્યા છે. મારો ભાઈ પોતે અમેરિકા જવા માંગતો નહોતો, છતાં અમે તેને મોકલ્યો અને જુઓ તેનું શું હશર થયું! કૃપા કરીને તમારા બાળકોને અમેરિકા ન મોકલો.”
પરિવારે અંશુલ માટે ન્યાયની માંગ કરી છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેઓ સ્થાનિક અમેરિકન સત્તાવાળાઓ તેમજ પીડિત પરિવારના સંપર્કમાં રહીને તમામ કાનૂની અને રાજદ્વારી મદદ પૂરી પાડી રહ્યા છે.