Last Updated on by Sampurna Samachar
મોટી સંખ્યામાં ચલણી નોટો અને સોનાની ઇંટ મળી આવી
અહીં મોટાપાયે થાય છે સોનાની દાણચોરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આફ્રિક્રાના દેશ ઝામ્બિયામાં એક ભારતીય દાણચોરની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ૨૩.૨૦ લાખ ડોલર એટલે ૧૯ કરોડ રૂપિયા રોકડા અને ૪ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી આ તમામ કીંમતી વસ્તુઓ પોતાની સૂટકેસમાં ભરી દુબઇ જવાની તૈયારી કરી રહ્યો હતો. ઝામ્બિયા એરપોર્ટ પર પોલીસે તેને રોક્યો હતો. આ ઘટના ઝામ્બિયાના લુસાકા સ્થિત કેન્નેથ કોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની છે.
મળતી માહિતી મુજબ ૨૭ વર્ષનો આ યુવક દુબઇની ફલાઇટ પકડવા માટે એેરપોર્ટ પહોંચ્યો હતો. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન પોલીસને તેના પર શંકા ગઇ હતી. ઝામ્બિયાના ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશન (DEC)એ તપાસ દરમિયાન બેગ ચેક કરી તો સૌ ચોંકી ગયા હતાં.
ઝામ્બિયામાં સોનું અને કોપર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ
આરોપીએ પોતાની બેગમાં મોટી સંખ્યામાં ચલણી નોટો અને સોનાની ઇંટ છુપાવીને રાખી હતી. તપાસ દરમિયાન પોલીસને ૨૩.૨૦ લાખ ડોલર અને ૫ લાખ ડોલરના સોનાની સાત ઇંટો મળી આવી હતી. DEC ના જણાવ્યા અનુસાર આ અપરાધમાં અનેક આંતરરાષ્ટ્રીય સંગઠન પણ સામેલ હોઇ શકે છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઝામ્બિયામાં સોનું અને કોપર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આમ છતાં દેશની ૬૦ ટકા વસ્તી ગરીબ છે. આ જ કારણ છે કે અહીં સોનાની દાણચોરી મોટા પાયે થાય છે. ઝામ્બિયા આવો કેસ સામે આવ્યાની આ પ્રથમ ઘટના નથી. ૨૦૨૩માં ઇજિપ્તના પાંચ નાગરિકોને ૧૨૭ કિલો સોનું અને કરોડો રૂપિયાની સાથે પકડવામાં આવ્યા હતાં.