Last Updated on by Sampurna Samachar
રાત્રે ૧ વાગ્યે પાકિસ્તાન યુદ્ધ હારી ગયું
CDS અનિલ ચૌહાણે જણાવી હકીકત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પુણે યુનિવર્સિટીમાં ‘ભવિષ્યના યુદ્ધ અને યુદ્ધકલા‘ વિષય પર પોતાના સંબોધનમાં ઓપરેશન સિંદૂર પર મહત્ત્વપૂર્ણ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે, ભારતે ૪૮ કલાકની લડાઈ ૮ કલાકમાં જ પૂર્ણ કરી લીધી. આ દરમિયાન પાકિસ્તાનને વાતચીતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ઓપરેશન સિંદુર દર્શાવે છે કે, યુદ્ધ માત્ર સ્ટ્રાઈક નથી, પરંતુ રાજનીતિનો પણ ભાગ હોય છે. આ અંગે વધુ વાત કરતા CDS એ કહ્યું કે, ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) માં જ્યાં યુદ્ધ અને રાજનીતિ એક સાથે ચાલી રહ્યા હતા, ત્યારે અમને સારી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ હોવાનો ફાયદો મળ્યો.
યુદ્ધમાં નુકસાન કરતાં પરિણામો વધુ મહત્વ ધરાવે
૧૦ મેની રાત્રે ૧ વાગ્યે પાકિસ્તાન યુદ્ધ હારી ગયું હતું. ૪૮ કલાકની લડાઈ અમે ૮ કલાકમાં પૂર્ણ કરી લીધી, પછી તેમણે ફોન ઉઠાવ્યો અને કહ્યું કે તેઓ વાત કરવા ઇચ્છે છે. CDS અનિલ ચૌહાણે કહ્યું, ‘આપણે પ્રોફેશનલ ફોર્સ તરીકે નુકસાન અને આંચકાઓથી પ્રભાવિત થતા નથી.
આપણે આપણી ભૂલો સમજવી જોઈએ અને તેને સુધારવી જોઈએ અને પાછળ ફરીને ન જોવું જોઈએ.” તેમણે સ્પષ્ટતા કરી કે યુદ્ધમાં નુકસાન કરતાં પરિણામો વધુ મહત્વ ધરાવે છે. ઓપરેશન સિંદૂર એક યુદ્ધ વ્યૂહરચનાનું ઉદાહરણ હતું. જેમાં ગતિશીલ અને બિન-ગતિશીલ યુદ્ધ કુશળતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.