Last Updated on by Sampurna Samachar
નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ દ્વારા તૈયાર કરાયું
બોર્ડર સુરક્ષામાં વધુ ફાયદાકારક સાબિત થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતને હાલમાં જ હાઇ-એલ્ટિટ્યુટ પ્લેટફોર્મ (HAP) ની ટેસ્ટિંગમાં સફળતા મળી છે. HAP ની ટેસ્ટિંગ પ્રી-મોન્સૂન ફ્લાઇટ ટેસ્ટમાં કરવામાં આવી હતી. બેંગલુરુથી ૨૦૦ કિમી દૂર આવેલા ચિત્રદુર્ગના ચાલાકેરે સ્થિત એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ દ્વારા અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV)નું પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યું છે, જે સોલર એનર્જીથી સંચાલિત છે અને બોર્ડર પેટ્રોલિંગ તથા સર્વેલન્સ માટે વિકસાવવામાં આવ્યું છે.
HAP પ્રોટોટાઇપની ૮ થી ૧૩ મે દરમ્યાન દરરોજ બેક-ટુ-બેક ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવી. આ પરીક્ષણ દ્વારા પ્લેટફોર્મની ક્ષમતા ખૂબ જ અદ્ભુત હોવાનું સ્પષ્ટ થયું. સોલરથી સંચાલિત હોવા છતાં, વાદળ છવાઈ જવાના અથવા સૂર્યપ્રકાશ ઓછો થઈ જવાના પ્રસંગે પણ એણે ઉત્તમ પ્રદર્શન કર્યું. આ વ્હીકલ ૨૪,૦૦૦ ફૂટ ઊંચાઈએ પહોંચી શક્યું અને બોર્ડર સુરક્ષામાં વધુ ફાયદાકારક સાબિત થયું.
ઓટોપાઇલટ સિસ્ટમ ખૂબ જ શક્તિશાળી
HAP માં ૧૨ મીટરની પાંખ છે અને તેનો વજન ૨૨ કિલોગ્રામ છે. દરિયાની સપાટીથી સાત કિલોમીટર ઊંચાઈએ ૮.૫ કલાક સુધી એને ઉડાવવામાં આવ્યું. HAP ના પ્રોગ્રામ ડિરેક્ટર એલ. વેંકટક્રિષ્ણન અનુસાર, આ વ્હીકલની ઓટોપાઇલટ સિસ્ટમ ખૂબ જ શક્તિશાળી છે, જેના કારણે માનવીય હસ્તક્ષેપ વિના તેનું સંચાલન શક્ય છે. આ પ્રોગ્રામ પછી, હવે પૂર્ણ-પ્રમાણના વ્હીકલના નિર્માણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
HAP વ્હીકલ એક કિલોગ્રામનો વજન લઈને ૨૫,૦૦૦ ફૂટ સુધી જઈ શકે છે. હાલ, બોર્ડર પર પેટ્રોલિંગ માટે માનવીય સંસાધનનો ઉપયોગ થાય છે, પણ આ ટેક્નોલોજી ઘણા કિલોમીટર સુધી ઓટોમેટિક પેટ્રોલિંગ પૂરૂં પાડે શકશે. ઇન્ડિયન એર ફોર્સ દ્વારા આવા હાઇ-એલ્ટિટ્યુટ પ્લેટફોર્મ સિસ્ટમમાં ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે. આ વ્હીકલમાં જિયોઇન્ફોર્મેટિક્સ, મીટરોલોજી અને ક્રાઉડ મોનિટરિંગ જેવી એપ્લિકેશન્સનો સમાવેશ કરવામાં આવશે.
પૂણેમાં આવેલા ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મીટરોલોજી દ્વારા વરસાદના વાદળોની જાણકારી માટે HAP સિસ્ટમનો ઉપયોગ કરવાના વિકલ્પો તપાસવામાં આવ્યા છે. આ સિસ્ટમ એરિયલ ટેલિકમ્યુનિકેશન માટે પણ ઉત્તમ બની શકે છે. હવામાનને આધારે સ્ટેશન સ્થાપિત કરી શકાય, જેથી નેટવર્ક ન હોતા પ્રદેશમાં પણ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય. પૂર અને કુદરતી આપત્તિઓ દરમ્યાન તાત્કાલિક કોમ્યુનિકેશન માટે પણ આ ટેક્નોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે.