Last Updated on by Sampurna Samachar
ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરાયો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા, જે અંગેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવી છે. ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ રૂ. ૨,૦૭,૦૦૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સિવાય ખેડૂતોને પોષણક્ષમ દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટ તરફથી ત્રણ મુખ્ય પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં આંધ્રપ્રદેશમાં ૪-લેન બડવેલ-નેલ્લોર હાઇવે, મહારાષ્ટ્રમાં ૧૩૫ કિલોમીટર લાંબી વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇન અને મધ્યપ્રદેશમાં ૪૧ કિલોમીટર લાંબી રતલામ-નાગડા રેલ્વે લાઇન પહોળી કરવાની યોજનાનો સમાવેશ થાય છે.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે લોન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મંજૂર કરવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. ૨,૦૭,૦૦૦ કરોડ થશે. આ ટેકાના ભાવ કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ (CACP) ની ભલામણો પર આધારિત છે, જે ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા ૫૦% નફો સુનિશ્ચિત કરે છે.
આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાવો, પાક વચ્ચે સંતુલન, કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રો વચ્ચે વેપાર સંતુલન જેવા ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર પણ વિચારણા કરવામાં આવી છે. ખેડૂતોને કાર્યકારી મૂડીની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના પર ૧૫,૬૪૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને આ હેઠળ, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવશે. ન્યૂનતમ સમર્થન કિંમત એટલે કે MSP ખેડૂતોને આપવામાં આવતી એક ગેરંટી જેવી હોય છે, જેમાં નક્કી કરવામાં આવે છે કે બજારમાં ખેડૂતોની પાક કયા ભાવે વેચાશે. હકીકતમાં, પાકની વાવણી દરમિયાન જ પાકોની કિંમત નક્કી કરવામાં આવે છે અને આ નક્કી કરેલી કિંમતે ઓછામાં બજારમાં વેચાતી નથી. MSP નક્કી થયા પછી બજારમાં પાકોની કિંમત ઘટી જાય તો પણ સરકાર ખેડૂતો પાસેથી નક્કી કરેલી કિંમતે જ પાક ખરીદે છે. સરળ શબ્દોમાં કહીએ તો, MSP નો હેતુ પાકની કિંમતમાં ઉતાર-ચઢાવ વચ્ચે ખેડૂતોને નુકસાનથી બચાવવાનો છે.
સરકારની વ્યાજ સબસિડી યોજના હેઠળ, ખેડૂતોને ખેતી, બાગાયત સહિતના પાક માટે ૩ લાખ રૂપિયા સુધી અને આનુષંગિક કૃષિ પ્રવૃત્તિઓ (જેમ કે પશુપાલન, મત્સ્યઉદ્યોગ વગેરે) માટે ૨ લાખ રૂપિયા સુધીની લોન વાર્ષિક ૭% ના રાહત દરે આપવામાં આવશે. આ યોજનામાં સરકાર ૧.૫% વ્યાજ સહાય પૂરી પાડે છે અને જો ખેડૂતો સમયસર પૈસા ચૂકવે છે, તો તેમને ૩% ની વધારાની છૂટ મળે છે. આ રીતે, ખેડૂતોને કુલ માત્ર ૪% વ્યાજ ચૂકવવું પડશે, જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ સિવાય ૨ લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ગેરંટી નહીં લેવાય. દેશભરની ૪૪૯ બેંકો અને નાણાકીય સંસ્થાઓને એક જ પોર્ટલ સાથે જોડવામાં આવી છે, જેનાથી ખેડૂતોને લોન મેળવવામાં સરળતા રહેશે. ત્રીજો ર્નિણય માળખાગત સુવિધાઓ અંગે છે, જેમાં આંધ્રપ્રદેશના બડવેલથી નેલ્લોર સુધીના ૧૦૮ કિમી લાંબા ૪-લેન હાઇવેના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ૩,૬૫૩ કરોડ રૂપિયાના ખર્ચે (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) ટોલ મોડ પર ૨૦ વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે.
આ હાઇવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૭ (NH-૬૭) નો ભાગ હશે અને કૃષ્ણપટ્ટનમ બંદરને સીધો જોડાણ પ્રદાન કરશે. આ માર્ગ વિશાખાપટ્ટનમ-ચેન્નઈ (VCIC), હૈદરાબાદ-બેંગલુરુ (HBIC) અને ચેન્નાઈ-બેંગલુરુ (CBIC) જેવા ઔદ્યોગિક કોરિડોરના મુખ્ય નોડ્સને જોડશે. તેનાથી હુબલી, હોસ્પેટ, બેલ્લારી, ગુટી, કડપ્પા અને નેલ્લોર જેવા આર્થિક કેન્દ્રોને પણ ફાયદો થશે.