Last Updated on by Sampurna Samachar
યશવંત વર્માના ઘરમાંથી મળી હતી મોટા પ્રમાણમાં રોકડ
અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડ રકમ મળી આવવાના કેસમાં કેન્દ્ર સરકાર મોટું પગલું ભરી શકે છે. તે આગામી ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.
સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની પેનલ દ્વારા જસ્ટિસ વર્મા સામેના આરોપોને મજબૂત માન્યા બાદ અને CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ મહાભિયોગની ભલામણ કર્યા બાદ આ પગલું લેવામાં આવી શકે છે. મહાભિયોગ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે, લોકસભામાં ઓછામાં ઓછા ૧૦૦ સભ્યો અને રાજ્યસભામાં ઓછામાં ઓછા ૫૦ સભ્યો દ્વારા પ્રસ્તાવ રજૂ કરવો જરૂરી છે. મહાભિયોગનો અંતિમ તબક્કો બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય છે. બંધારણીય અદાલતના ન્યાયાધીશને ફક્ત બે આધાર ભ્રષ્ટાચાર અને અસમર્થતા પર જ પદ પરથી દૂર કરી શકાય છે.
ન્યાયાધીશને હટાવવા અંગે ચર્ચાની પ્રક્રિયા શરૂ
જ્યારે રાજ્યસભા કે લોકસભા દ્વારા મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે છે, ત્યારે તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવી પડે છે. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કરે છે. તેમાં કોઈપણ એક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક વરિષ્ઠ ન્યાયશાસ્ત્રીનો સમાવેશ થાય છે. જો રચાયેલી સમિતિ ન્યાયાધીશને દોષિત માને છે, તો સમિતિનો અહેવાલ તે જ ગૃહ દ્વારા સ્વીકારવામાં આવે છે. જેમાં તે પ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો. તે પછી, ન્યાયાધીશને હટાવવા અંગે ચર્ચાની પ્રક્રિયા શરૂ થાય છે.
ચર્ચા પછી, તેને ગૃહમાં હાજર સભ્યોના ૨/૩ બહુમતીથી પસાર કરવો પડે છે. બંને ગૃહો દ્વારા તેને પસાર કર્યા પછી, તે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે જે ન્યાયાધીશને હટાવવાનો ર્નિણય લે છે. ન્યાયાધીશ સૌમિત્ર સેન સામે છેલ્લો મહાભિયોગ વર્ષ ૨૦૧૧ માં લાવવામાં આવ્યો હતો, જે રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે લોકસભામાં રજૂ થાય તે પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. અત્યાર સુધીમાં એક વર્તમાન ન્યાયાધીશ સામે કુલ ૫ મહાભિયોગ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ પછી, જસ્ટિસ વર્માને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો છે. ૨૦ માર્ચે તેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે ૫ એપ્રિલે શપથ લીધા હતા પરંતુ અત્યાર સુધી તેમને કોઈ ન્યાયિક કાર્ય સોંપવામાં આવ્યું નથી. ૧૪ માર્ચે દિલ્હીના લુટિયન્સ સ્થિત જસ્ટિસ વર્માના નિવાસસ્થાને રાત્રે લગભગ ૧૧:૩૫ વાગ્યે આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી હતી. આ દરમિયાન ૫૦૦ રૂપિયાની બળી ગયેલી નોટોના બંડલ મળી આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
આ પછી મામલો વધુ વકર્યો હતો. આ પછી, ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. આમાં દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય દ્વારા પ્રાથમિક તપાસ અને દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ વર્મા પાસેથી ન્યાયિક કાર્ય છીનવી લેવા અને બાદમાં ન્યાયિક કાર્ય વિના તેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.