Last Updated on by Sampurna Samachar
કમલ હાસનની કોર્ટે ઝાટકણી કાઢી
જળ, ભૂમિ અને ભાષાથી દરેક વ્યક્તિની ઓળખ જોડાયેલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કન્નડ ભાષા મુદ્દે વિવાદિત ટિપ્પણી બદલ સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની કર્ણાટક હાઇકોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટે કમલ હાસનને કહ્યું કે, તમે ભલે કમલ હાસન કેમ ન હોવ પરંતુ તમને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હક નથી.
કર્ણાટક કોર્ટના જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ સુનાવણી દરમિયાન કમલ હાસનના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈપણ નાગરિકને કોઈની પણ લાગણી દુભાવવાનો હક નથી. જળ, ભૂમિ અને ભાષા આ ત્રણેય વસ્તુથી પ્રત્યેક નાગરિકની ઓળખ જોડાયેલી છે. દેશનું વિભાજન પણ ભાષાના આધારે થયું હતું.
માફી ન માંગે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ ન કરવાની માંગ
હાસન અસંવેદનશીલ અને વિભાજનકારી છે. કમલ હાસન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઠગ લાઇફ‘ના પ્રમોશન દરમિયાન બોલ્યા હતા કે, કન્નડ તમિલ ભાષામાંથી ઉદ્ભવેલી ભાષા છે. જેના લીધે રાજ્યમાં હોબાળો મચી ગયો હતો.
કર્ણાટકમાં વિવિધ સંગઠનો અને રાજકીય નેતાઓએ કમલ હાસન (KAMAL HAASAN) ના નિવેદનને રાજ્યની ભાષા અને અસ્મિતા પર હુમલા સમાન ગણાવ્યું હતું. તેમણે માંગણી કરી હતી કે, જ્યાં સુધી કમલ હાસન માફી નહીં માંગે ત્યાં સુધી તેની કોઈ ફિલ્મ રાજ્યમાં પ્રસારિત કરવામાં આવશે નહીં.
રાજ્યમાં ભારે વિરોધ બાદ કમલ હાસન કોર્ટ પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે તેની અરજી નામંજૂર કરતાં ફટકાર લગાવી હતી. જસ્ટિસે આકરા વલણ સાથે સવાલ કર્યો હતો કે, તમારી પાસે આ દાવા મુદ્દે કોઈ ઐતિહાસિક પ્રમાણ છે. તમે આવું નિવેદન આપી કર્ણાટકના લોકોની લાગણી દુભાવી છે. તમે આ વાત કયા આધાર પર કહી હતી. શું તમે ઇતિહાસકાર છો કે ભાષાવિદ ? તમે કોર્ટમાં અરજીના બદલે માફીનામું લઈને આવ્યા હોત તો આ કેસ ઉકેલાઈ ગયો હોત.
કમલ હાસને કર્ણાટકમાં થઈ રહેલા વિરોધની સામે અપીલ કરતાં રાજ્યમાં ‘ઠગ લાઇફ‘ રિલીઝ કરવાની માંગ કરી હતી. તેમના વકીલે તર્ક આપ્યો હતો કે, હાસને આ નિવેદન જાણીજોઈને આપ્યું નથી. તેમનો ઉદ્દેશ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ન હતો. પરંતુ કોર્ટે તેમની દલીલ ફગાવતાં કહ્યું કે, જો તમે માફી માંગવા નથી માંગતા તો પછી કર્ણાટકમાં ફિલ્મ રિલીઝ જ શું કામ કરો છો ? શું તમે અહીં માત્ર કમાણી કરવા જ આવ્યા છો. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે, તમે લોકોની લાગણી દુભાવો.
કમલ હાસનના નિવેદનના લીધે કર્ણાટકમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. પ્રોકન્નડ સંગઠનો અને રાજકીય નેતાઓએ હાસને રાજ્યની અસ્મિતા પર હુમલો કર્યો હોવાનું જણાવી માફીની માંગ કરી છે. તેમજ રાજ્યમાં જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી તેની કોઈપણ ફિલ્મ રિલીઝ ન કરવાનું ફરમાન બહાર પાડ્યું છે.