Last Updated on by Sampurna Samachar
મદદ મળવાથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સુધરી શકે
પાકિસ્તાન ૧૯૫૦ થી IMF નું સભ્ય
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ના કાર્યકારી બોર્ડની બેઠક ૯ મેના રોજ થવાની છે. જેમાં પાકિસ્તાન સાથે થયેલી ૧.૩ અબજ ડોલરના સ્ટાફ લેવલ સમજૂતિ પર વિચાર કરવામાં આવશે, જે પાકિસ્તાન સાથે ચાલી રહેલા ૩૭ મહિનાના બેલઆઉટ કાર્યક્રમનો હિસ્સો છે.
જુલાઇ ૨૦૨૪ મા પાકિસ્તાનમા IMF એ ૭ અબજ ડોલરનો સોદો કર્યો હતો. ૩૭ મહિનાના આ સોદાની છ સમીક્ષા બાકી છે. જેમા ૯ મેના રોજ તેની બીજી સમીક્ષા થશે. જો તેને મંજૂરી મળી જાય છો તો પાકિસ્તાનને ૧ અબજ ડોલરની સહાય અપાશે.
IMF ટીમે માર્ચમાં પાકિસ્તાનની મુલાકાત લીધી
નોંધનીય છે કે આ સોદો પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે દેશમાં મોંઘવારી ટોચ પર છે, વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે, શેરબજાર પણ સતત ઘટી રહ્યું છે. માર્ચની શરૂઆતમાં, IMF અને પાકિસ્તાને ૨૮-મહિનાના સ્ટાફ-લેવલના સોદા પર સંમત થયા હતા, જેનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તનની અસરને ઘટાડવા અને તેનો સામનો કરવાના પાકિસ્તાનના પ્રયત્નોને ટેકો આપવાનો હતો.
જ્યારે IMF ની ટીમે ૩૭ મહિનાના બેલઆઉટ પ્રોગ્રામના ભાગ રૂપે માર્ચમાં પાકિસ્તાનની મુલાકાત લીધી, ત્યારે તેને જાણવા મળ્યું કે પાકિસ્તાને આર્થિક સુધારા માટે ઘણા પગલાં લીધા છે, જેમ કે ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજ દરો ઊંચા રાખવા અને ઊર્જા ક્ષેત્રમાં સુધારાઓ જોવા મળ્યા હતા. બેલઆઉટ વાસ્તવમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા દેશને નાણાકીય મદદ પૂરી પાડવાની એક પદ્ધતિ છે જેથી તેની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકાય.
જો આ વખતે એક્ઝિક્યુટિવ બોર્ડ મંજૂરી આપે છે, તો પાકિસ્તાનને એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) હેઠળ ૧ અબજ ડોલરની રકમ મળશે. આ સાથે, આ પ્રોગ્રામ હેઠળ કુલ વિતરણ ૨ અબજ ડોલર સુધી પહોંચી જશે. અગાઉ, સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧.૦૩ અબજ ડોલરનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન ૧૯૫૦ થી IMF નું સભ્ય છે અને દેશમાં આર્થિક અસ્થિરતાને કારણે અને આયાત પરની તેની ર્નિભરતા ઘટાડવા માટે ૨૪ વખત IMF નો સંપર્ક કર્યો છે.