Last Updated on by Sampurna Samachar
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીનો બંધારણને લઇ વિવાદ
ભાજપે લગાવેલા આરોપો ફગાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. આ આરોપોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ડીકે શિવકુમારે રાજ્યમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
શિવકુમારે કહ્યું કે, જો આ દાવો સાચા સાબિત થશે તો હું રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ. કોંગ્રેસ નેતાનું આ નિવેદન આવતાની સાથે ભાજપે રાજ્યભરમાં આ મામલે તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિવકુમારે કહ્યું, મેં ઈન્ટરવ્યુમાં જણાવેલ સચ્ચાઈ અને મારા રાજકીય વલણને ભાજપ પચાવી શકતું નથી. મેં ક્યારે એવું કહ્યું નથી કે હું બંધારણ બદલવા જઈ રહ્યો છું? જો મેં કહ્યું હોત, તો હું તેને સ્વીકાર કરી લેતો. આપણે જ બંધારણ લઈને આવ્યા છીએ અને આપણે જ તેનું રક્ષણ કરી રહ્યા છીએ. આપણા નેતાઓ સમજદાર છે અને તેમણે ઇન્ટરવ્યુ જોયો છે.
મત માટે બંધારણમાં ફેરફાર કરવો એ કોંગ્રેસનો છુપાયેલ એજન્ડા
તેમણે વધુમાં કહ્યું, આ ભાજપના નેતાઓએ જ કહ્યું હતું કે તેઓ બંધારણ બદલશે. જો મેં ક્યારેય પણ એવું કહ્યું હોય કે, હું બંધારણ બદલીશ, તો હું રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું કોંગ્રેસ હાઈકમાન્ડે સ્પષ્ટતા માંગી છે, ત્યારે તેમણે કહ્યું, હા, તેમણે સ્પષ્ટતા માંગી છે. મેં તેમને ઇન્ટરવ્યૂની વિગતવાર સમીક્ષા કરવા કહ્યું છે. તેઓ આ વાતથી સહમત છે, કે મેં આવું કંઈ કહ્યું નથી.
ત્યારે એક કાર્યક્રમમાં શિવકુમારે કથિત રીતે એવું સૂચન કર્યું હતું કે, “અચ્છે દિન” ત્યારે આવી શકે છે જ્યારે બંધારણમાં સુધારો કરવામાં આવે. જોકે, કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે, મારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને મેં ક્યારેય કહ્યું નથી કે અમે બંધારણ બદલીશું.
આ દરમિયાન ભાજપે કર્ણાટક (KARNATAK) ના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરી આરોપ લગાવ્યો છે કે, મુસ્લિમ ક્વોટા પરની તેમની ટિપ્પણીએ બંધારણમાં ફેરફાર કરવો એ પાર્ટીના “છુપાયેલા એજન્ડા”ને ઉજાગર કરે છે. ભાજપે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, મત માટે બંધારણમાં ફેરફાર કરવો એ કોંગ્રેસનો છુપાયેલ એજન્ડા છે અને શિવકુમારની ટિપ્પણી તેની એક શરૂઆત છે.