Last Updated on by Sampurna Samachar
હજુ ઘણા મુસાફરો રેલવેની આ સુવિધાથી અજાણ
મુસાફરો ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકિટ મેળવી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટ્રેનની મુસાફરી કરતા લોકોને કન્ફર્મ ટિકીટ મેળવવા એ કંઇ લોટરી લાગવા જેવુ લાગતુ હોય છે. જોકે, હવે વેઈટિંગ લિસ્ટના કારણે મૂંઝવણમાં મુકાયેલા મુસાફરોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રેલવેની એક ખાસ સુવિધા અંતર્ગત ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલાં પણ કન્ફર્મ સીટ મળી શકે છે.

રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પણ ટ્રેનમાં કયા કોચમાં અને કઈ બર્થ ખાલી છે, તેની ચોક્કસ માહિતી મેળવીને મુસાફરો ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકિટ મેળવી શકે છે. જોકે, હજુ પણ ઘણા મુસાફરો રેલવેની આ અદભુત સુવિધાથી તદ્દન અજાણ છે.
એપ અથવા સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવો જરૂરી
સામાન્ય રીતે ટ્રેન ઉપડવાના ૪ કલાક પહેલાં ફાઈનલ રિઝર્વેશન ચાર્ટ તૈયાર થતો હોય છે. આ ચાર્ટ બની ગયા બાદ પણ ઘણી સીટો ખાલી રહેતી હોય છે. આ પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે. છેલ્લી ઘડીએ કોઈ મુસાફર પોતાની કન્ફર્મ ટિકિટ રદ કરાવે ત્યારે. ટિકિટ કન્ફર્મ હોવા છતાં કોઈ કારણસર મુસાફર સ્ટેશને સમયસર ન પહોંચી શકે કે મુસાફરી ન કરે ત્યારે રેલવેના વિવિધ ક્વોટાની સીટો જે છેલ્લે સુધી ભરાઈ ન હોય.
આવી ખાલી પડેલી સીટોની વિગતો રેલવેની સિસ્ટમમાં અપડેટ થાય છે, જેનો લાભ વેઈટિંગ વાળા કે કરંટ બુકિંગ કરાવનારા મુસાફરો લઈ શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ IRCTC ની એપ અથવા સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે.
સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે
સૌથી પહેલા IRCTC એપ અથવા વેબસાઈટ ઓપન કરો.
હોમ પેજ પર આપેલા ચાર્ટ વેકેન્સી વિકલ્પ પર ક્લિક કરો.
જે-તે ટ્રેન નંબર, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશનની વિગતો દાખલ કરો.
સિસ્ટમ તમને જે-તે ટ્રેનના ક્લાસ મુજબ કોચવાર અને બર્થવાર ખાલી સીટોનું લિસ્ટ બતાવશે.
જો સીટ ઉપલબ્ધ હોય, તો તમે ઓનલાઈન કરંટ બુકિંગ મારફતે અથવા ટ્રેનમાં જઈને સીધા TTE નો સંપર્ક કરીને ટિકિટ કન્ફર્મ કરાવી શકો છો.
આ સુવિધાનો લાભ માત્ર રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ જ લઈ શકાય છે.
આ વિકલ્પ નીચેની પરિસ્થિતિઓમાં મુસાફરો માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે:
જ્યારે તમારી વેઈટિંગ ટિકિટ છેલ્લી ઘડી સુધી કન્ફર્મ ન થઈ હોય અને ચાર્ટ બની ગયો હોય.
કોઈ કટોકટીના કારણે તમારે છેલ્લી ઘડીએ મુસાફરી કરવાની ફરજ પડી હોય.
ટ્રેનમાં સીટ મળવાની વાસ્તવિક શક્યતા કેટલી છે તે ચોક્કસપણે જાણવું હોય.