Last Updated on by Sampurna Samachar
USISPF ના બોર્ડ સભ્યોએ એમ્બેસેડર ગ્રીર સાથે કરી ચર્ચા
ક્લોઝ્ડ-ડોર રાઉન્ડટેબલ બેઠકથી કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુનાઇટેડ સ્ટેટ્સ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા તેની નવમી વાર્ષિક લીડરશિપ સમિટની શરૂઆત અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ એમ્બેસેડર ગ્રીર સાથે યોજાયેલી ક્લોઝ્ડ-ડોર રાઉન્ડટેબલ બેઠકથી કરવામાં આવી. આ વર્ષે યોજાયેલી સમિટને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે અમેરિકા પોતાની સ્વતંત્રતાની ૨૫૦ મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.

આ બેઠક એવા સમયે યોજાઈ હતી જ્યારે થોડા દિવસો પહેલાં જ એમ્બેસેડર ગ્રીરે ભારતની મુલાકાત દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બંને દેશો વચ્ચે સંતુલિત અને પરસ્પર લાભદાયી ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર તેમજ ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના સંયુક્ત નિવેદનને અનુરૂપ વચગાળાના કરારને આગળ વધારવા માટે આ ચર્ચાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સબંધો મજબૂત
રાઉન્ડટેબલ દરમિયાન USISPF ના બોર્ડ સભ્યોએ એમ્બેસેડર ગ્રીર સાથે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેના વિવિધ મુદ્દાઓ પર સીધી ચર્ચા કરી હતી. તેમાં બંને દેશો વચ્ચે માર્કેટ એક્સેસ વધારવો, ડિજિટલ ટ્રેડને પ્રોત્સાહન આપવું, સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવવી તેમજ નોન-ટેરિફ અવરોધોમાં ઘટાડો કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો.
નિષ્ણાતોના મતે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને રોકાણના સંબંધો સતત મજબૂત બની રહ્યા છે. આવી ઉચ્ચસ્તરીય બેઠકો બંને દેશો વચ્ચેના આર્થિક સહયોગને નવી દિશા આપશે અને ભવિષ્યમાં વેપાર, ટેક્નોલોજી તેમજ વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભાગીદારી વધુ વિસ્તરવાની સંભાવના મજબૂત બનશે.