Last Updated on by Sampurna Samachar
ક્રુડ ઓઇલના ભાવમાં સતત ઘટાડાને કારણે ઘટશે ભાવ
APM ના ભાવ માટે એક નવી ફોર્મ્યુલા લાગુ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકાર દ્વારા ટુંક સમયમાં CNG અને PNG ગેસના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. સરકારે બે વર્ષમાં પહેલી વાર CNG અને PNG ના ઉત્પાદનમાં વપરાતા નેચરલ ગેસના ભાવ ઘટાડ્યા છે. ક્રૂડ ઓઈલના સતત ઘટી રહેલા ભાવોને ધ્યાનમાં લેતાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) દ્વારા ONGC ને ફાળવવામાં આવતાં જૂના ક્ષેત્રોમાંથી નેચરલ ગેસનો ભાવ $ ૬.૭૫થી ઘટી $ ૬. ૪૧ પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MMBTU) કરવામાં આવ્યો છે.
APM ના ભાવ માટે એક નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૩માં સરકારે નેચરલ ગેસના ભાવ માટે નવું ફોર્મ્યુલા લાગુ કર્યા પછી આ પહેલો ઘટાડો છે. જેથી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, મહાનગર ગેસ લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ જેવા શહેરી ગેસ રિટેલર્સનો બોજો ઘટશે. ઉત્પાદન ખર્ચ વધુ પડતો હોવાથી આ કંપનીઓના માર્જિનમાં પ્રેશર જોવા મળતું હતું.
મહત્તમ ભાવ બે વર્ષ સુધી યથાવત રહેવાનો હતો
એપ્રિલ ૨૦૨૩માં, કેન્દ્રીય મંત્રીમંડળે એક નિષ્ણાત સમિતિના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, જૂના ક્ષેત્રોમાંથી મળતાં નેચરલ ગેસના ભાવની થતી ગણતરીને ADMINISTERED PRICE MECHANISM (APM) તરીકે ઓળખવામાં આવે છે. નવી ફોર્મ્યુલામાં માસિક ધોરણે ક્રૂડ ઓઇલના માસિક સરેરાશ આયાત ભાવના ૧૦ ટકા નક્કી કરવામાં આવશે. જેમાં પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ માટે ઓછામાં ઓછી ચાર ડોલર અને મહત્તમ ૬.૫ ડોલરની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
મહત્તમ ભાવ બે વર્ષ સુધી યથાવત રહેવાનો હતો અને ત્યારબાદ દર વર્ષે ૦.૨૫ ડોલરના દરે વધારો થવાનો હતો. તે મુજબ, એપ્રિલમાં મહત્તમ ભાવ પ્રતિ યુનિટ ૬.૭૫ ડોલર સુધી વધ્યો છે. ગયા અઠવાડિયે ક્રૂડ ઓઈલ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ક્રૂડ ઓઇલ WTI ફ્યુચર્સ ૦.૨૫ ટકા અથવા $ ૦.૧૫ ઘટીને $ ૬૦.૭૯ પ્રતિ ઔંસ પર બંધ રહ્યું હતું. બ્રેન્ટ ઓઇલનો ભાવ ૦.૯૦ ટકા અથવા $ ૦.૫૭ ઘટીને $ ૬૨.૭૮ પ્રતિ ઔંસ નોંધાયો હતો.