Last Updated on by Sampurna Samachar
વાર્ષિક ધોરણે મે ૨૦૨૪ ની સરખામણીમાં ૨૦.૪% નો વધારો
સરકારે મે મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મે મહિનામાં સરકારી તિજોરીને GST કલેક્શનમાંથી રૂ. ૨.૦૧ લાખ કરોડ પ્રાપ્ત થયા છે, આ કલેક્શન વાર્ષિક ધોરણે ૧૬.૪ ટકા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મે ૨૦૨૪ માં સરકારને GST થી કુલ રૂ. ૧.૭૨ લાખ આવક થઈ હતી, જ્યારે મે ૨૦૨૫ માં તે ૧૬.૪ ટકા વધીને રૂ. ૨.૦૧ લાખ કરોડના આંકડા પર પહોંચી ગઈ છે.
GST કલેક્શન ડેટા અનુસાર રિફંડ પછી પણ મે ૨૦૨૫ માં વાર્ષિક ધોરણે મે ૨૦૨૪ ની સરખામણીમાં ૨૦.૪% નો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે મે ૨૦૨૫ માં ચોખ્ખો GST કલેક્શન ૧.૭૩ લાખ કરોડ રૂપિયા છે, જે મે ૨૦૨૪ માં ફક્ત ૧.૪૪ લાખ કરોડ રૂપિયા હતો. મે ૨૦૨૫ માં GST રિફંડ ૨૭,૨૧૦ કરોડ રૂપિયા હતું, જે વાર્ષિક ધોરણે ૪ ટકા ઓછું છે.
ગત વર્ષ કરતાં કલેક્શન ૧૪.૩ ટકા વધુ
બજેટ સમયે સરકારે આ નાણાકીય વર્ષમાં GST કલેક્શનમાં ૧૧ ટકાનો વધારો થવાની અપેક્ષા રાખી હતી, જેમાં સેન્ટ્રલ GST અને GST વળતર સેસ સહિત ૧૧.૭૮ લાખ કરોડ રૂપિયાનો GST કલેક્શન અપેક્ષિત છે. સરકારે મે મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. રિફંડ પછી મે ૨૦૨૫ માટે ચોખ્ખો GST કલેક્શન રૂ. ૧,૭૩,૮૪૧ કરોડ હતો, જે મે ૨૦૨૪ માં એકત્રિત કરાયેલા રૂ. ૧,૪૪,૩૮૧ કરોડ કરતા ૨૦.૪% વધુ છે.
એપ્રિલ ૨૦૨૫ માં સરકારને GST થી ૨.૩૭ લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક થઈ હતી. વાર્ષિક ધોરણે એપ્રિલમાં GST કલેક્શનમાં ૧૨.૬ ટકાનો વધારો થયો હતો. આમાં આયાત ડ્યુટીમાંથી એકત્રિત GST રૂ. ૫૧,૨૬૬ કરોડ અને સ્થાનિક સ્ત્રોતોમાંથી એકત્રિત GST રૂ. ૧,૪૯,૭૮૫ લાખ કરોડનો થયો હતો. મે મહિનામાં કુલ GST કલેક્શન રૂ. ૪.૩૭ લાખ કરોડ પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં એકત્રિત કરાયેલા રૂ. ૩.૮૩ લાખ કરોડ કરતા ૧૪.૩ ટકા વધુ છે.