Last Updated on by Sampurna Samachar
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું
અઢી વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી આવેલા રોહન ગુપ્તાનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં નીતિન નબીનની નવી ટીમની ઘોષણા સાથે જ ગુજરાતનું કદ અને પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ ૨૦૨૦ પછી પ્રથમ વખત રાજ્યમાંથી ચાર મહત્વના ચહેરાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી સોંપાઈ છે.

આ અગાઉ ૨૦૨૦માં ભાવનગરના તત્કાલીન એમપી ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેઓનો કાર્યકાળ ૨૦૨૩ સુધી રહ્યો હતો. ત્યારથી અત્યાર સુધી રાષ્ટ્રીય હોદ્દેદારોમાં કોઈ ગુજરાતી નેતા સામેલ ન હતા.નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને સ્થાન મળ્યું છે. તેમાં કોંગ્રેસમાંથી આશરે અઢી વર્ષ પહેલાં ભાજપમાં આવેલા રોહન ગુપ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તેજસ્વી સૂર્યાના સ્થાને ૩૫ વર્ષીય ડો. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા છે. તેઓ હાલમાં વડોદરાના સાંસદ હોવાની સાથે ગુજરાત ભાજપ યુવા મોરચાના વડા પણ છે. મૂળ પોરબંદરના અને અભ્યાસ માટે વડોદરા આવેલા ડો. જોશી MS યુનિવર્સિટીની ABVP પાંખમાં સક્રિય રહ્યા હતા (૨૦૧૦-૧૧માં મીડિયા ઇન્ચાર્જ અને જિલ્લા કારોબારી સભાસદ).
જગદીશ પટેલને કેન્દ્રીય સ્તરે લાવી મોટુ સરપ્રાઇઝ આપ્યું
૨૦૧૫-૧૬માં સોશિયલ વર્ક ફેકલ્ટીના GS રહી ચૂકેલા હેમાંગ જોશી ૨૦૧૩થી ભાજપમાં જોડાયા હતા. ૨૦૨૨માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે તેમની પ્રથમ વહીવટી ઇનિંગ શરૂ થઈ હતી.રાજ્ય ભાજપના અનુભવી મહિલા નેતા વર્ષાબેન ૨૦૦૭ અને ૨૦૧૨માં સુરેન્દ્રનગરની વઢવાણ સીટ પરથી વિજેતા બની ધારાસભ્ય રહ્યા હતા. તેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. ૨૦૨૩માં તેમને મહેસાણા અને હાલમાં આણંદ જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપાયેલી છે.
જગદીશ ઈશ્વરભાઈ પટેલ: ૨૦૧૯થી ૨૦૨૨ સુધી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા જગદીશ પટેલને કેન્દ્રીય સ્તરે સંગઠનમાં લાવી ભાજપે મોટું સરપ્રાઇઝ આપ્યું છે. (તેમને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી).
રોહન ગુપ્તા: ડિજિટલ અને પબ્લિક કમ્યુનિકેશનના નિષ્ણાત અને પૂર્વ કોંગ્રેસી નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાને ભાજપે રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છે. સિમ્બાયોસિસ પૂણેથી પીએસસી કરનાર રોહને કોંગ્રેસના આઇટી સેલના વડા, ૨૦૧૬માં AICC મીડિયા કો-ઓર્ડિનેટર અને ૨૦૧૯માં નેશનલ સોશિયલ મીડિયા હેડ તરીકે કામ કર્યું હતું.
૨૦૧૭ની ગુજરાત ચૂંટણીના ડિજિટલ કેમ્પેઇનમાં તેમનું મોટું યોગદાન હતું. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને અમદાવાદ ઈસ્ટથી ટિકિટ આપી હતી, પરંતુ ઉમેદવારી પાછી ખેંચી રાજીનામું આપ્યા બાદ તેઓ ૧૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ ભાજપમાં જોડાયા હતા. હવે તેમણે ભાજપે કેન્દ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી/સચિવની જવાબદારી આપી છે.