Last Updated on by Sampurna Samachar
પેરિસની સડકો પર હિંસક પ્રદર્શનો અને અથડામણો
૪૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ લીગ ફાઈનલમાં પેરિસ સેન્ટ-જર્મેનએ આર્સેનલને હરાવીને ભલે ટ્રોફી જીતી લીધી હોય, પરંતુ આ જીતનો જશ્ન પેરિસ માટે આફત સમાન સાબિત થયો છે. મેચ પૂરી થયા બાદ પેરિસની સડકો પર હિંસક પ્રદર્શનો અને અથડામણો જોવા મળી હતી, જેના કારણે ૪૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

PSG ની જીત બાદ પેરિસના પ્રખ્યાત ચેમ્પ્સ-એલીસીસ વિસ્તારમાં હજારો ચાહકો ઉમટી પડ્યા હતા. આ જશ્ન જોતજોતામાં હિંસક વળાંક લેવા લાગ્યો હતો. અરાજકતા એટલી વધી ગઈ હતી કે પેરિસની બસ, ટ્રેન અને રેલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. ટોળા દ્વારા ફટાકડા અને ફ્લેર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ વખતે પોલીસ તંત્ર પહેલેથી જ એલર્ટ હતું
પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજમાં જોવા મળ્યુ કે રસ્તા પર ઈલેક્ટ્રિક બાઈક સળગાવવામાં આવી રહી છે અને દુકાનોના કાચ તોડવામાં આવી રહ્યા છે. બે વ્યવસાયિક એકમો, ૧ બસ શેલ્ટર અને ૬ વાહનોને સળગાવી દેવામાં આવ્યા.
આ કોઈ પહેલીવાર નથી કે જ્યારે ફૂટબોલની જીત હિંસામાં પરિણમી હોય. પેરિસ માટે આ સતત બીજું વર્ષ છે જ્યારે ફૂટબોલના કારણે હિંસક બનાવો બન્યા છે. ગત વર્ષે પણ જીત બાદ થયેલી ઉજવણી જીવલેણ બની હતી, જેના કારણે આ વખતે પોલીસ તંત્ર પહેલેથી જ એલર્ટ હતું. તેમ છતાં, પેરિસના ‘પાર્ક ડેસ પ્રિન્સેસ‘ સ્ટેડિયમથી લઈને શહેરના મુખ્ય વિસ્તારો સુધી ચાહકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.