Last Updated on by Sampurna Samachar
બેંગલુરૂથી સુરત આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં હોબાળો
હોબાળાને કારણે ફ્લાઇટ બે કલાક મોડી પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુથી સુરત જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા મુસાફરે સામાન સાથે લઈ જવાને લઈને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ક્રુ મેમ્બરે બેગ રાખવાની ના પાડી તો મહિલાએ પ્લેન ક્રેશ કરાવી દેવાની ધમકી આપી હતી.
મહિલાની આ ધમકી બાદ ફ્લાઈટના કેપ્ટને એલર્ટ જાહેર કરતાં મહિલા ડૉક્ટરની ધરપકડ કરી લેવામાં આવી હતી. સમગ્ર હોબાળાને લઈને ફ્લાઈટને બે કલાક મોડું થયું હતું. આ ઘટના ૧૭ જૂન, ૨૦૨૫ની હોવાનું સામે આવ્યું છે.
મહિલા ડૉક્ટરે સુરક્ષા અધિકારીઓ સાથે કર્યુ ગેરવર્તન
મળતી માહિતી અનુસાર વ્યાસ હિરલ મોહનભાઈ નામની મહિલા ડૉક્ટર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેંગલુરુ થી સુરત જઈ રહી હતી. જેમાં મહિલા ચેક-ઈન કાઉન્ટર ન પહોંચી અને પોતાની બે બેગ લઈને સીધી ફ્લાઈટમાં પહોંચી હતી. આ પછી મહિલા વિમાનમાં બંને બેગ લઈ જવાની જીદ કરવા લાગી હતી. જેમાં મહિલા પોતાનું એક બેગ ક્રુ કેબિન પાસે મુકીને બીજું બેગ પોતાની સીટ પાસે લઈ ગઈ હતી. જ્યારે ક્રુએ મહિલાને બેગને સીટની ઉપરના કમ્પાર્ટમેન્ટમાં રાખવાનું કહ્યું તો મહિલાએ ના પાડી હતી. તેવામાં ક્રુ અને કેપ્ટને વારંવાર અજૂઆત કરવા છતાં મહિલા માની ન હતી અને હોબાળો શરૂ કર્યો હતો.
સમગ્ર ઘટના દરમિયાન મહિલા કોઈ વાતે માનવા તૈયાર ન હતી અને ઉપરથી ગુસ્સે થઈને ધમકી આપવા લાગી હતી. મહિલાએ કહ્યું કે, ‘જો મારી માંગ પૂરી કરવામાં નહી આવે તો પ્લેન ક્રેશ કરાવી દઈશ.‘ આ પછી કેપ્ટને સિક્યુરિટી બોલાવ્યા હતા. જેમા CISF ના અધિકારીઓએ મહિલાને પ્લેનમાંથી ઉતારીને ધરપકડ કરી હતી.
કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મહિલા મુસાફર વ્યાસ હિરલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, મહિલા મુસાફરે બપોરે ૨:૩૦ વાગ્યે વિમાનની અંદર હોબાળો મચાવ્યો હતો. જે ૫:૩૦ સુધી ચાલુ રહ્યો હતો. મહિલા ડૉક્ટરે સુરક્ષા અધિકારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.