Last Updated on by Sampurna Samachar
નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ડી ગુકેશે મેગ્નસ કાર્લસનને હરાવ્યો
આખી ગેમ આંખના પલકારામાં પલટી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્લ્ડ ચેમ્પિયન ડોમારાજુ ગુકેશે નોર્વે ચેસ ૨૦૨૫ ટુર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં પૂર્વ વર્લ્ડ નંબર વન મેગ્નસ કાર્લસનને પોતના કરિયરમાં પ્રથમ વખત ક્લાસિકલ ટાઈમ કંટ્રોલમાં હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. સફેદ મહોરાઓ સાથે રમતા યુવા ભારતીય ખેલાડીએ દબાણમાં પણ રમત પર પોતાની પકડ જાળવી રાખી અને અંતિમ રાઉન્ડમાં ૩૪ વર્ષીય નોર્વેજિયન ગ્રાન્ડમાસ્ટરની એક દુર્લભ ભૂલનો ફાયદો ઉઠાવીને તેને યાદગાર જીતમાં ફેરવી દીધું.
સ્ટાવેન્જરમાં ઘરેલૂ દર્શકોની સામે રમી રહેલ કાર્લસન ગેમમાં મોટા ભાગના સમયમાં ડી ગુકેશ સામે મજબૂત દેખાવ રહ્યો અને તે સારી સ્થિતિમાં દેખાઈ રહ્યો હતો. પરંતુ ગુકેશે શિસ્ત અને ધીરજથી કાર્લસનની દરેક ચાલનો બચાવ કર્યો અને પછી સટીક વળતો હુમલો કરીને આખી ગેમ પલટી નાખી. આ ટુર્નામેન્ટમાં ટાઈમ કંટ્રોલનો નિયમ લાગુ પડે છે, જેનો અર્થ એ છે કે સમય લીધા વિના ઝડપથી ચાલ ચાલવી પડે છે.
ભારતીય ખેલાડીએ ક્લાસિક ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો
ટુર્નામેન્ટના આ જ નિયમના કારણે કાર્લસન ડગમગી રહ્યો હતો. ગુકેશે તેની આ નબળાઈનો ફાયદો ઉઠાવ્યો અને રમતના છેલ્લા રાઉન્ડમાં તેને હરાવી દીધો. ગુકેશ આ જીતથી ખૂબ ખુશ દેખાતો હતો. પ્લેઈંગ એરિયાની લોબીમાં તેણે તેના લાંબા સમયના પોલિશ કોચ ગ્રેઝગોર્ઝ ગજેવસ્કીનું હાઈ પંચ સાથે સ્વાગત કર્યું. આ ગુકેશ માટે કમબેક જીત હતી, જે નોર્વે ચેસના પ્રથમ રાઉન્ડમાં બ્લેક મહોરાથી રમતા મેગ્નસ કાર્લસન સામે હારી ગયો હતો. આ છ ખેલાડીઓની રાઉન્ડ-રોબિન સ્પર્ધા હતી.
નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કોઈ યુવા ભારતીય ખેલાડીએ ક્લાસિક ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો છે. ગત વર્ષે આર. પ્રજ્ઞાનંદાએ તેને આ જ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો. આ વર્ષે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે કાર્લસનને હરાવ્યો છે. કાર્લસન ગેમના મોટાભાગના સમયે નિયંત્રણમાં દેખાતો હતો, પરંતુ સ્ટાવેન્જરના અણધાર્યા હવામાનની જેમ આખી ગેમ આંખના પલકારામાં પલટી ગઈ.
હંગેરિયન મૂળની મહાન અમેરિકન ચેસ ખેલાડી સુસાન પોલ્ગરે ગુકેશના હાથે કાર્લસનની હારને તેની કારકિર્દીની સૌથી દુ:ખદ હાર ગણાવી. તેણે X પર એક પોસ્ટમાં લખ્યું કે, કાર્લસન ભાગ્યે જ ક્લાસિકલ ચેસ ફોર્મેટમાં હારે છે, અને તે ભાગ્યે જ મોટી ભૂલો કરે છે. નોર્વેમાં ગુકેશ સામે છઠ્ઠા રાઉન્ડમાં તે બ્લેક મહોરા સાથે ખૂબ જ સારુ રમી રહ્યો હતો.
ઘડિયાળ પર વધુ સમય હોવાને કારણે તે જીતવાની સ્થિતિમાં હતો. પરંતુ ગુકેશે હાર ન માની. તેણે સંઘર્ષ ચાલુ રાખ્યો અને કાર્લસનની લીડ ધીમે-ધીમે સમાપ્ત થઈ ગઈ. પછી જ્યારે બંને સમયના દબાણ હેઠળ હતા, ત્યારે કાર્લસનએ એક મોટી ભૂલ કરી જેના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો. આ તેની શાનદાર કારકિર્દીની સૌથી દુ:ખદ હારમાંની એક છે. હું જાણું છું કે તે ખુદથી ખૂબ જ નારાજ હશે.