Last Updated on by Sampurna Samachar
૨૫ દિવસમાં ૧૧૯ કોલ કરીને સોનમ અને સંજય વર્માએ કરી વાતચીત
આ કેસમાં સોનમ સહિત ૫ લોકોની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજા રઘુવંશી હત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મેઘાલય પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સોનમ રઘુવંશી કલાકો સુધી કોઈ સંજય વર્મા સાથે વાત કરતી હતી. જ્યારે સંજય વર્માને ફોન કરવામાં આવ્યો, ત્યારે તેનો નંબર બંધ આવી રહ્યો હતો. સોનમે ૧ માર્ચથી ૨૫ માર્ચ દરમિયાન સંજય વર્માને ૧૧૯ વાર ફોન કર્યો હતો. આ દરમિયાન, સંજય અને સોનમ એક મહિનામાં ૨૩૪ વાર વાત કરી હતી.
હવે જોવાનું એ રહે છે કે, સંજય કોણ છે અને રાજા રઘુવંશી કેસમાં તેની શું ભૂમિકા હોઈ શકે છે ? ઉલ્લેખનીય છે કે, ૨૩ મેના રોજ શિલોંગમાં રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં સોનમ સહિત ૫ લોકોની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીઓએ રાજાના પરિવારની કરી પૂછપરછ
શિલોંગ પોલીસ રાજા રઘુવંશી હત્યા કેસને ગંભીરતાથી લઈ રહી છે અને એક કડીને બીજી કડી સાથે જોડી રહી છે. આ સંદર્ભમાં, પોલીસની એક ટીમ ઇન્દોરમાં રાજા રઘુવંશીના ઘરે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ રાજાના પરિવાર સાથે વાત કરી અને સોનમના વર્તન અને લગ્ન પછી ઇન્દોરમાં વિતાવેલા દિવસો વિશે પૂછપરછ કરી હતી.
પોલીસ ટીમમાં સામેલ ત્રણ અધિકારીઓએ રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશી અને તેની માતાની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ વિપિને જણાવ્યું કે, ત્રણ અધિકારીઓ અમારા ઘરે આવ્યા હતા. તેઓએ અમારી પાસેથી ફક્ત એ માહિતી લીધી કે, લગ્ન પછી ચાર દિવસ સોનમ અમારા ઘરે રહી હતી, ત્યારે તેનું વર્તન કેવું હતું અને તે પરિવારના સભ્યો સાથે કેવી વાત કરતી હતી.
વિપિને કહ્યું કે, મેં અધિકારીઓને કહ્યું કે, હું સોનમનો જેઠ છું, તેથી અમે ક્યારેય તેની સામે ગયા નથી કે વાત કરી નથી. મેં તેમને કહ્યું કે, અમે સોનમને વધારે જોઈ પણ નથી, તેથી તેણી કેવી રીતે વર્તતી હતી તે વિશે અમે વધુ કહી શકીએ તેમ નથી. આ સમય દરમિયાન, પોલીસે રાજા રઘુવંશીની માતાની પણ પૂછપરછ કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે, સોનમની હાજરી દરમિયાન ઘરમાં કોઈ અસામાન્ય પ્રવૃત્તિ કે, તણાવ જોવા મળ્યો હતો કે નહીં.