Last Updated on by Sampurna Samachar
જુઓ ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસુ
અરેબિયન સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમ છે કારણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય હવામાન વિભાગથી મળતી માહિતી અનુસાર આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, જે હવે યતાર્થ થઈ રહ્યું છે. અગાઉ થયેલી આગાહીમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનના મધ્યમમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે, જોકે હવે આ તારીખ વધુ નજીક આવી ગઈ છે.
IMD દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ૨૯ મે સુધીમાં વરસાદનું આગમન થઈ જશે. આ ફેરફારો પાછળનું કારણ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમ હોય શકે છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે, જ્યાં અગાઉના ડેટા અનુસાર ચોમાસું ૧ જૂનથી શરૂ થવાનું હતું.
૩૦ જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જશે
જોકે કેરળમાં ૧૦ થી ૨૩ મે વચ્ચે જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. પરિણામે આ વરસાદી વાદળો આગળ વધતા કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં જે ૧૦ જૂનના આસપાસ પહોંચવાના હતા, તે હવે ૨૬ મે એ જ પહોંચી ગયા હતા. પરિણામે મહારાષ્ટ્રમાં પણ વહેલા વરસાદની શરૂઆત થઈ છે. હવે આ વાદળો ગુજરાત સુધી ૨૯ મે સુધી પહોંચશે જેથી ગુજરાતમાં વહેલું ચોમાસું શરૂ થશે.
હમણાં સુધીમાં દેશના કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારે વહેલું ચોમાસું બેસવાની સ્થિતિ લગભગ ૧૬ વર્ષ બાદ ફરી સર્જાઈ રહી છે. જેમાં કહી શકાય કે, ૧૬ વર્ષ બાદ ચોમાસાનું વહેલું આગમન થયું છે. આ પહેલા વર્ષ ૨૦૦૯માં ૨૩ મે એ ચોમાસું વહેલું બેઠું હતું.
જાણવા જેવી બાબત એ છે કે, આગામી ૩૦ જૂન સુધી સમગ્ર દેશમાં ચોમાસાનું આગમન થઈ જશે. જેમાં છેલ્લે દક્ષિણ ભારતથી વરસાદી વાદળો આગળ વધુ ઉત્તર તરફ જતાં અંતે ૩૦ જૂન સુધી જમ્મુ અને કાશ્મીરમાં પણ ચોમાસાની શરૂઆત થશે. જોકે ચાર મહિના સુધી ચાલનારી આ ચોમાસાની ઋતુ આ વર્ષે વહેલા શરૂ થતાં વહેલા સમાપ્ત થશે કે શું, તેવી પણ ચર્ચા થઈ રહી છે.