Last Updated on by Sampurna Samachar
અનેક જગ્યાએ ભૂસ્ખલન થતાં રસ્તા થયા બંધ
છ જૂન સુધી અતિભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર સિક્કિમ (SIKKIM) માં ભારે વરસાદે ચારે તરફ તારાજી સર્જી છે. સિક્કિમમાં અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ભૂસ્ખલનની દુર્ઘટના બની છે. જે ઘટનાના કારણે લાચુંગ અને ચુંગથાંગમાં ૧૬૭૮ પ્રવાસીઓ ફસાયા હતા. NDRF અને સ્થાનિક પ્રશાસને બચાવ અભિયાન હાથ ધરી તેઓને સુરક્ષિત પણે બહાર નીકાળ્યા હતા. તેમજ મંગન જિલ્લાના છાતેનમાં એક સેનાની છાવણીમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ત્રણ જવાનોના મોત થયા હતા, જ્યારે છ જવાન હજુ ગુમ છે.
તારાજી અંગે DGP અક્ષય સચદેવાએ પૂરની દુર્ઘટનાને ધ્યાનમાં લેતાં જણાવ્યું કે, અમુક પર્યટકોને લાચુંગમાંથી બહાર સુરક્ષિત સ્થળે ગંગટોક લઈ જવામાં આવ્યા છે. લાચેનમાં ફસાયેલા લોકોને પણ બચાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે મંગન જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું. જેના લીધે રસ્તા બંધ થયા છે.
કુદરતી આફતના કારણે જનજીવન ખોરવાયું
છાતેનમાં સેનાની છાવણી પર ભૂસ્ખલન થતાં લખનવિંદર સિંહ, લાંસ નાયક મુનિશ ઠાકુર અને પોર્ટર અભિષેક લખડાનું મોત થયું છે. છ જવાનો હજી ગુમ છે. તેમની શોધ થઈ રહી છે. BRO એ રોડ નેટવર્કને પુન:સ્થાપિત કરવાની કામગીરી શરુ કરી છે. વાહનોના કાફલા ફંદાગ સુધી પહોંચ્યા છે. જેમાં સાતથી વધુ પુરુષ અને ૫૬૧ મહિલાઓ, ૩૮૧ બાળકો હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી પૂર્વોત્તર રાજ્યોમાં સતત મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારોમાં લગભગ ૧૩૦ MM થી વધુ વરસાદ પડ્યો છે. જેના લીધે લાચુંગ, ગુરુડોંગમાર, લાચેન ફૂલોની ખીણ જેવા ટોચના પ્રવાસન સ્થળો પ્રભાવિત થયા છે. તીસ્તા નદીમાં કરંટ વધ્યો છે. પાણીમાં મોજાંનું જોર વધ્યું છે. કુદરતી આફતના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે.
ઉપરાંત લાચેનમાં બે પુલ પડી ભાંગ્યા છે. લાચેન અને લાચુંગ જતાં રસ્તાઓનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. ભારતીય સેના, NDRF અને પોલીસની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. ત્યારે હજુ છ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદના કારણે રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે.